News of Thursday, 28th August 2025
ગોંડલના શિવરાજગઢમાં ઘરથી થોડે દૂર ગણપતિ પંડાલ રાખવાનું કહેતાં હુમલો
અશ્વીન સાકરીયાને કાલી અને ભયલાએ પાઇપના ઘા માર્યાઃ રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૨૮: સમગ્ર રાજ્યમાં ગણપતિ ઉત્સવનો ગઇકાલથી રંગેચંગે આરંભ થયો છે. ગામે ગામ શેરી મહોલ્લાઓમાં ગણપતિજીના સ્થાપન કરવામાં આવ્યા છે. દરમિયાન ગોંડલના શિવરાજગઢમાં ઘર નજીકથી થોડે દૂર ગણપતિજીનો પંડાલ રાખવાનું કહેતાં એક યુવાનને ગામના જ બીજા બે યુવાને લોખંડના પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
શિવરાજગઢમાં રહેતો અશ્વીનભાઇ વનરાજભાઇ સાકરીયા (ઉ.વ.૩૬) સાંજે સાતેક વાગ્યે પોતાના ઘર પાસે હતો ત્યારે ગામના જ કાલી અને ભયલો કોળીએ મળી ઝઘડો કરી લોખંડના પાઇપથી આડેધડ માર મારતાં અને અશ્વીનભાઇના પત્નિ બચાવવા આવતાં તેને પણ ધક્કો મારી પછાડી દેતાં દેકારો મચી ગયો હતો.
બનાવને પગલે પરિવારજનો, બીજા લોકો ભેગા થઇ જતાં હુમલો કરનારા બંને ભાગી ગયા હતાં. અશ્વીનભાઇને ઇજાઓ થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, પ્રકાશભાઇ, ધર્મેન્દ્રભાઇએ ગોડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. અશ્વીનભાઇએ કહ્યું હતું કે હુેં ખેત મજૂરી કરુ છું. દર વર્ષે ગણપતિજીનો પંડાલ જે જગ્યાએ નખાય છે તેના બદલે આ વખતે મારા ઘરથી સાવ નજીક પંડાલ નાખી રહ્યા હોઇ જેથી મેં કાલી અને ભયલાને થોડે દૂર પંડાલ રાખવાનું કહેતાં બંનેએ ઉશ્કેરાઇને હુમલો કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
