<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જોડિયા તાલુકાના જસાપર ગામે રાત્રીસભા યોજી ગ્રામજનોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કર્યું

આર.ઓ. પ્લાન્ટની મુલાકાત લઈ પીવાના પાણીની ગુણવત્તાની ચકાસણી કરી અને ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરી

જામનગર: જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જોડિયા તાલુકાનો પ્રવાસ કરી જસાપર ગામે રાત્રીસભાનું આયોજન કર્યું હતું. આ સભામાં તેમણે ગામલોકો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ અંગે ચર્ચા કરી. ગામલોકોએ મુખ્યત્વે રી-સર્વે અને રસ્તાના સમારકામ અંગે રજૂઆતો કરી હતી. કલેક્ટરએ આ પ્રશ્નોના નિવારણ માટે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી હતી. આ ઉપરાંત, તેમણે ગામમાં આવેલા આર.ઓ. પ્લાન્ટની મુલાકાત લઈ પીવાના પાણીની ગુણવત્તાની ચકાસણી કરી હતી.
સાથે જ કલેક્ટરએ જસાપર ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરી હતી, જેમાં તેઓએ તમામ રેકર્ડ અને નિભાવવાપાત્ર રજીસ્ટર્સની ચકાસણી કરી નિયમિત નોંધ કરવા માટે સૂચનાઓ આપી હતી. તેમણે ગ્રામજનોને આવાસ યોજના અને આયુષ્માન ભારત જેવી વિવિધ સરકારી યોજનાઓથી અવગત કરાવી તેનો મહત્તમ લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. આ માટે, તેમણે લગત અધિકારીઓને પણ જરૂરી સૂચનો આપ્યા હતા.( સંજય ડાંગર અકિલા ધ્રોલ) 

(10:47 PM IST)