<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

ગોંડલ સુરેશ્વર ફાટક બે દિવસ માટે બંધ

વાહન ચાલકો મુશ્‍કેલીમાં : અમરેલી,ભાવનગર તરફનો વાહનવ્‍યવહાર ઠપ્‍પ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૯: ગોંડલના સુરેશ્વર ફાટક તરીકે ઓળખાતા રેલવે ફાટક નંબર 34/B2 પર રેલવે ટ્રેકના તાત્‍કાલિક મેન્‍ટેનન્‍સના કારણે આજથી બે દિવસ માટે વાહન વ્‍યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્‍યો છે.

તારીખ - ૨૭ ઓગસ્‍ટ, ૨૦૨૫ની રાત્રિના ૮: ૦૦ વાગ્‍યાથી લઈને તારીખ ૨૯ સવારના ૬: ૦૦ વાગ્‍યા સુધી આ ફાટક બંધ રહેશે,

તંત્ર દ્વારા સુરેશ્વર ફાટક પરથી પસાર થતા વાહન વ્‍યવહાર માટે આશાપુરા અંડર બ્રિજને વૈકલ્‍પિક માર્ગ તરીકે જાહેર કરવામાં આવ્‍યો છે. જોકે, આ માર્ગ ફક્‍ત નાના અને હળવા વાહનો માટે જ ઉપયોગી છે.

આ નિર્ણયથી સૌથી વધુ મુશ્‍કેલી મોટા અને ભારે વાહનોના ચાલકોને થઈ રહી છે. જેતપુર અને શાપર તરફથી આવીને અમરેલી, ભાવનગર અને જસદણ જેવા શહેરો તરફ જતા ટ્રકો, એસ.ટી. બસો અને ખાનગી ટ્રાવેલ્‍સ બસોના ચાલકો માટે કોઈ વૈકલ્‍પિક માર્ગની જાહેરાત કરવામાં આવી નથી.

ગોંડલ શહેરની મધ્‍યમાં આવેલા રાજાશાહી સમયના બે પુલો પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવાથી આ વાહનો શહેરમાંથી પણ પસાર થઈ શકે તેમ નથી. આ કારણે, સેંકડો ભારે વાહનો રસ્‍તા પર અટવાઈ પડ્‍યા છે.

એક તરફ ફાટક બંધ છે, તો બીજી તરફ સુરેશ્વર રોડની હાલત પણ અત્‍યંત બિસ્‍માર છે. સ્‍થાનિકોનું કહેવું છે કે જો માર્ગ અને મકાન વિભાગ (RMB) સમયસર જાગીને આ રસ્‍તા પરના ખાડાઓનું સમારકામ કરે તો વાહનચાલકોને થોડી રાહત મળી શકે છે. પરંતુ, તંત્રની નિષ્‍ક્રિયતાને કારણે લોકોની સમસ્‍યામાં વધુ વધારો થયો છે. આગામી બે દિવસ સુધી ભારે વાહનોના ચાલકો માટે સ્‍થિતિ વિકટ બની રહેશે તેવી પૂરી સંભાવના છે. (૩.૫)

(9:49 AM IST)