News of Friday, 29th August 2025
કચ્છની ઘટનાઃ ખાડા બચાવવા જતા ટ્રેલરમાંથી મહાકાય કન્ટેનર એક્ટિવા ઉપર ખાબકયું: ત્રણ યુવાનો કચડાઈ મર્યા
મુન્દ્રા અંજાર નેશનલ હાઇવે ઉપર અરેરાટીભર્યો ગમખ્વાર અકસ્માતઃ લોકોની રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી રજૂઆત પણ ટોલ લેવાતો રહ્યો ખાડા ન પૂરાયા

(વિનોદ ગાલા દ્વારા ભુજ) તા.૨૯: હાઇવે રોડ ઉપરના ખાડાઓ પુરવા ભલે કેન્દ્રીય વાહનવ્યવહાર મંત્રી કે રાજ્યના મુખ્યમંત્રી સૂચના આપે પણ ટોલ ટેક્સ ઉઘરાવતી કંપનીઓ કે રોડની દેખરેખ કરતા નેશનલ હાઇવે ઓથોરિટી કે આર એન્ડ બી વિભાગ કોઈને દાદ આપતું નથી. પરિણામે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની જિંદગી ગુમાવી મોતને ભેટે છે. કચ્છમાં માર્ગ અકસ્માતની વણથંભી વણઝાર વચ્ચે ત્રણ આશાસ્પદ યુવાનોનો ભોગ લેવાયો છે.
મુન્દ્રા-અંજાર ધોરીમાર્ગ પરના ખેડોઇ ગામ નજીક કન્ટેનર ટ્રેલર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને ટ્રેલરનું મહાકાય કન્ટેનર ઊથલીને એક્ટિવા ઉપર પડ્યું હતું. આ બનાવમાં એક્ટિવા પર સવાર અંજારના ત્રણ યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. મળતક યુવાનો અભિષેક ભાગવત પાટીલ, દિવ્ય મયુર પંડ્યા અને નૈતિકગીરી જીતેશગીરી ગોસ્વામી ત્રણેય મુન્દ્રા એસી રીપેરીંગ કરવા જતા હતા. ત્યારે હાઇવે ઉપર ખાડો બચાવવા જતા ટ્રેલર ચાલકે ગતિમાં ટ્રેલર ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
દરમ્યાન અંજાર તાલુકા પંચાયતના વિપક્ષી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ નેશનલ હાઇવે ઉપરના ખાડાઓ થકી અકસ્માતોના બનાવ વધ્યા હોઈ વારંવાર સરકાર સમક્ષ તેમ જ કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી સુધી રજૂઆત કરી છે પણ કોઈને લોકોની પડી નથી. અહીં મોખા ટોલગેટ દ્વારા ઊંચો ટોલ વસુલાય છે પણ ટોલ કંપની હાઇવે રિપેરિંગની જવાબદારી નિભાવતી નથી. અકસ્માત બાદ મળતદેહોને અંજાર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંજાર પોલીસે અકસ્માતના બનાવનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
