News of Friday, 29th August 2025
વિરપુરના મેવાસા રોડની સીમમાં ખેતરમાં શાકભાજી ઉતારવાનું કામ કરતા ખેડૂત ઉપર જીવંત વીજ વાયર પડ્યો : ગંભીર
મોટા ભાગના ફીડરોમાં ૪૦ વર્ષથી વાયરો બદલવામાં ન આવ્યા હોવાનો આક્ષેપ

વીરપુર, તા.૨૯: યાત્રાધામ વીરપુરમાં વીજ વિભાગની ઇલેવન કેવી ચાલુ વીજ લાઇનનો વાયર ખેડૂત ઉપર પડતા ખેડૂતને ગંભીર ઇજાઓ થતા ખેડુતને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
યાત્રાધામ વીરપુરના મેવાસા રોડ ઉપર આવેલ સિમ વિસ્તારમાં ખેતરમાં ખેડૂત ભીખુભાઇ વઘાસીયા પોતાની વાડીએ વાવેતર કરેલ શાકભાજી ઉતારવાનું કામ કરતા હતા ત્યારે અચાનક ઈલેવન કેવી જીવંત ચાલુ વીજ વાયર ખેડૂત ભીખુભાઇ વઘાસીયા ઉપર પડ્યો હતો ત્યારે આ જીવંત વીજ તાર પડતા જ ખેડૂત ગંભીર રીતે દાઝયા હતા ત્યારે બાજુના થોડે દુર બીજા ખેડૂત રમેશભાઈ સોરઠીયાને અવાજ સંભળાતા તે દોડી આવ્યા હતા અને ત્યાં જોયું તો ખેડૂત ભીખુભાઇ ઉપર વીજ વાયર પડ્યો હતો ત્યારે રમેશભાઈએ પોતાની સુધબુદ્ધ થી બીજા અન્ય ખેડૂતોને બોલાવી તાત્કાલિક વીજ વાયર ખેડૂત ઉપર થી હટાવીને ઈજાગ્રસ્ત ખેડૂત ભીખુભાઇને તાત્કાલિક સારવાર માટે ગોંડલ ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા,આ ઘટનાની જાણ થતાં જ પીજીવીસીએલના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. પીજીવીસીએલની બેદરકારીનો ભોગ બનેલા ઈજાગ્રસ્ત ખેડૂત હાલ તો ગોંડલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે વીરપુર પંથકમાં અનેક વીજ ફિડરોમાં જુના જર્જરીત વિજપોલો અને વીજ વાયરો છે જેમને લઈને ખેડૂતો ઉપર અવારનવાર ચાલુ વીજ વાહના વાયરો તૂટવાના બનાવો બનતા રહે છે ત્યારે તંત્ર દ્વારા આવા જર્જરીત વાયરો અને વિજપોલો સત્વરે બદલાવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
યાત્રાધામ વીરપુરમાં ૬૬ત્ત્રુ સબસ્ટેશન માંથી અનેક ફીડરો માંથી ખેડૂતોને વીજ પુરવઠો આપવામાં આવે છે જેમાં કાગવડ ફીડર, આહાબા ફીડર, મેવાસા ફીડર, ચરખડી ફીડર, પ્રેમગઢ ફીડર,જલીયાણ ફીડર સહિત અનેક ફીડરો જોડાયેલા છે પરંતુ આ ફીડરો માં મોટા ભાગના ફીડરોના વીજપોલો ,વીજ વાયરો ૩૫ કે ૪૦ વર્ષ જેટલા જુના અને જર્જરીત છે, પીજીવીસીએલ દ્વારા આવા અનેક વીજ ફીડરોમાં પ્રિમોન્સૂન કામગીરી આવી જ ન હોય તેમ ખેડૂતોએ આક્ષેપો કર્યા છે.(તસ્વીરઃ કીશનસિંહ મોરબીયા - વીરપુર)
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
