તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 30th August 2025
જૂનાગઢમાં સગીર વાહનચાલકો સામે ટ્રાફિક ડ્રાઇવ : પહેલા જ દિવસે 147 સગીર સામે કાર્યવાહી કરાઈ
જૂનાગઢ પોલીસ દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનની હદમાં આવતી શાળાઓ બહાર ખાસ ચેકિંગ ડ્રાઈવ યોજાઈ અને દંડ તથા વાહન ડિટેઈન સુધીની કાર્યવાહી

જૂનાગઢઃ શહેરમાં માર્ગ અકસ્માતના બનાવમાં શાળા કે ટ્યુશનમાં જતાં સગીરો ભોગ બનવાનો આંક સતત વધી રહ્યો છે અને તેથી જ જૂનાગઢ જિલ્લામાં સગીર વાહનચાલકોના માર્ગ અકસ્માતને રોકવા જૂનાગઢ ટ્રાફિક શાખા દ્વારા ખાસ ડ્રાઈવ યોજાઈ હતી.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં સગીર વયના વાહનચાલકો તથા લાયસન્સ વગર વાહન ન ચલાવવા બાબતે સોશિયલ મીડિયા, જાહેરાતો, સમાચાર પત્રો તેમજ શાળાઓમાં કાર્યક્રમોનું આયોજન કરીને જૂનાગઢ પોલીસ દ્વારા આ અંગે જાગૃતિ લાવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
આ અંગે જૂનાગઢ પોલીસ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને જાણ કરીને તમામ શાળા સંચાલકોને પણ આ અંગે જરૂરી સૂચના આપવામાં આવી હતી કે તેમની શાળામાં આવતા સગીર વયના વિદ્યાર્થીઓ જો વાહન લઈને આવતા હોય તો તેમને મનાઈ કરવામાં આવે અથવા લાયસન્સ વગર આવતા હોય તો તેમને સજાગ કરે. પરંતુ આ અંગે વાલીઓ કે વિદ્યાર્થીઓમાં કોઈ ગંભીરતા જોવા મળી ન હતી.
લાયસન્સ વગર સગીર વયના બાળકો શહેરમાં વાહન ચલાવતા જોવા મળી રહ્યા હતા. તેથી પોલીસે આવા તમામ વિદ્યાર્થીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું અને તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનની હદમાં આવતી શાળાઓ બહાર ખાસ ચેકિંગ ડ્રાઈવ યોજાઈ અને દંડ તથા વાહન ડિટેઈન સુધીની કાર્યવાહી કરવામાં આવી હતી.
જૂનાગઢ પોલીસે લોકોને અપીલ કરી છે કે, જેવી રીતે તમારા બાળકોની જીંદગી અમૂલ્ય છે. તેવી જ રીતે બીજાની જીંદગી પણ અમૂલ્ય છે. લોકો સગીર વયના બાળકોને વાહન ચલાવવા આપીને બાળકની સાથે બીજાની જિંદગી માટે પણ જોખમ ઉભું કરે છે. તેથી હવે જો કોઈ સગીર વાહન ચલાવતો જોવા મળશે તો તેના વાલી સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
