News of Saturday, 30th August 2025
ડમ્પરે બાઇકને ઉલાળતાં જામનગરના મામા-ભાણેજ ફંગોળાયાઃ ૧૬ વર્ષના ભાણેજનું મોત
જામનગરના લાલપુરના પીપળટોળા ગામ નજીક બનાવ : હિરેન રાંદલપરાએ રાજકોટમાં દમ તોડયોઃ પાનેલી માસીના ઘરે ગયો હોઇ ત્યાંથી જામનગર આવતી વખતે બનાવઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૩૦: જામનગરના લાલપુર પાસેના પીપળટોળા ગામ નજીક ડમ્પરે બાઇકને ઠોકરે ચડાવતાં જામગનર રહેતાં મામા-ભાણેજ ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેમાંથી ૧૬ વર્ષના ભાણેજને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. માસીના ઘરેથી આ સગીર પરત મામાના બાઇકમાં બેસીને આવી રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ જામનગર ગોકુલનગરમાં રહેતો હિેરન દિલીપભાઇ રાંદલપરા (ઉ.વ.૧૬) ૨૪મીએ બપોરે પોતાના મામા મનિષભાઇ અરજણભાઇ નતાવીયા (ઉ.વ.૨૭)ના બાઇક પાછળ બેસી પાનેલી ગામેથી જામનગર આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં પીપળટોળા ગામ નજીક ડમ્પરે બાઇકને ઠોકરે લેતાં મામા-ભાણેજ બંને ફંગોળાતા ઇજાઓ થઇ હતી. તેમને જામનગર હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
જ્યાંથી ભાણેજ હિરેનને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેણે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃત્યુ પામનાર હિરેન બે ભાઇમાં નાનો હતો. હાલ ભણતો નહોતો. તે પાનેલી રહેતાં માસીના ઘરે આટો મારવા ગયો હતો અને ત્યાંથી મામા સાથે પરત જામનગર આવી રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. રાજકોટમાં તેણે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ અને ધર્મેન્દ્રભાઇ ચાવડાએ લાલપુર પોલીસને જાણ કરી હતી.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
