<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

મંદિર પાસે પ્રસાદ સમજી અફીણ પીધું, તાવ ઉતારવા પાંચ ગોળી પી ગયાઃ તબિયત બગડતાં વૃધ્‍ધનું મોત

હળવદના સરંભડા ગામે બનાવઃ ૬૫ વર્ષના ભુપતભાઇ ઉધરેજાએ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૩૦: હળવદના સરંભડા ગામે રહેતાં વૃધ્‍ધ થોડા દિવસ પહેલા ગામના સરમરીયા દાદાના મંદિરે દર્શન કરવા ગયા ત્‍યારે મંદિર નજીક કોઇએ તેમને પ્રસાદી છે કહી અફીણ આપી દેતાં તે પી ગયા હતાં. પછી તાવ ચડતાં તબિયત બગડતાં તાવની એક સાથે પાંચ છ ગોળી પી જતાં વધુ હાલત બગડતાં અલગ અલગ હોસ્‍પિટલમાં સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. અહિ સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ સરંભડા ગામે રહેતાં ભુપતભાઇ હમીભાઇ ઉધરેજા (ઉ.વ.૬૫) દસ દિવસ પહેલા ગામના સરમરીયા દાદાના મંદિરે દર્શન કરવા ગયા હતાં. એ દરમિયાન મંદિર આસપાસ કોઇ તેમને મળી ગયું હતું અને પ્રસાદી છે તેમ કહી અફીણ આપતાં ભુપતભાઇ તે પી ગયા હતાં. આ પછી ઘરે આવ્‍યા બાદ તેમની તબીયત બગડી હતી અને તાવ ચડયો હતો. આથી તે ઘરના લોકોની જાણ બહાર જ તાવની પાંચ-છ ગોળી એક સાથે પી ગયા હતાં. આ કારણે તબિયત વધુ બગડતાં સારવાર માટે હળવદ, ત્‍યાંથી ચરાડવા હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

અહિ સવારે મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ અને ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ હળવદ પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર ભુપતભાઇ ઉધરેજા ચાર બહેન અને ત્રણ ભાઇમાં ત્રીજા હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પોતે ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. હળવદ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:16 PM IST)