<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

જામનગર જિલ્લામાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો આગામી તા. ૧ થી ૧૫ સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે

બજારમાં જે તે જણસીઓના બજારભાવ ટેકાના ભાવ કરતાં નીચા રહે તે સંજોગોમાં ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ભારત સરકારની પી.એમ. આશા યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજયમાં ટેકાના ભાવે ખરીદી કરવા નિર્ણય

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૦ :  ખેડુતોને તેઓની ઉત્પાદિત જણસીઓના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા વર્ષ૨૦૨૫-૨૬ના ખરીફપાકો મગફળી માટે રૂ.૭૨૬૩, મગ માટે રૂ.૮૭૬૮, અડદ માટે રૂ.૭૮૦૦ તથા સોયાબીન માટે રૂ.૫૩૨૮ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવો જાહેર કરવામાં આવ્યા છે. બજારમાં જે તે જણસીઓના બજારભાવ ટેકાના ભાવ કરતાં નીચા રહે તે સંજોગોમાં ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ભારત સરકારની પી.એમ. આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજયમાં આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.  

જે અંગે ચાલુ સીઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર મારફત કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તા.૦૧-૦૯-૨૦૨૫ થી તા.૧૫-૦૯-૨૦૨૫ સુધી ખેડૂતોની નોંધણી કરવા ખેડુત જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઈ (VCE) મારફતે તેમજ ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓ વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ મારફત શરૂ  કરવામાં આવશે. ગત વર્ષે રાજ્યમાંથી કુલ ૮,૫૩,૫૧૪ લાભાર્થી ખેડુતો પાસેથી રૂ.૧૬૨૨૩.૨૯ કરોડના મુલ્યની કુલ ૨૩,૪૭,૦૭૮ મે.ટન જથ્થાની વિવિધ જણસીઓની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ છે.

ચાલુ વર્ષે ખરીફ ઋતુમાં રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડુતો પાસેથી પુરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. માટે જામનગર જિલ્લાના ખેડૂતોએ પણ લાભ લેવા માટે જામનગર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

(3:11 PM IST)