News of Sunday, 31st August 2025
દ્વારકા કરિડોર પ્રોજેક્ટમાં વિલંબ ?
નવા મંત્રીમંડળ બાદ શ્રીગણેશ થવાની સંભાવના ?: સૂત્રો મુજબ રિલાયન્સ જૂથ અને અદાણી ગ્રુપ બંનેએ પ્રોજેક્ટમાં રસ દર્શાવ્યો છે

દ્વારકા: દ્વારકા કરિડોર પ્રોજેક્ટ અંગેની તાજેતરની માહિતી મુજબ, કાર્યના શ્રીગણેશમાં થોડી મોડી પડી રહી છે. સૂત્રો મુજબ નવું મંત્રીમંડળ નિયુક્ત થયા બાદ જ દ્વારકા કરિડોરના વિકાસ કાર્યની સત્તાવાર શરૂઆત થશે.
શ્રાવણ માસ તથા જન્માષ્ટમી દરમિયાન આ પ્રોજેક્ટ શરૂ થવાની સંભાવના વ્યક્ત થઈ હતી, પરંતુ અતિશય વરસાદને કારણે કાર્ય આગળ વધારી શકાયું નથી. હવે નવા મંત્રીમંડળના વિસ્તરણ પછી જ પ્રોજેક્ટ આગળ ધપાવાશે તેવી ચર્ચા ચાલી રહી છે.
આ મહત્ત્વાકાંક્ષી દ્વારકાધીશ યાત્રાધામ કરિડોર પ્રોજેક્ટને કાશી-વિશ્વનાથ કરિડોર જેવી જ આધુનિક અને ભવ્ય માળખાકીય સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે.
મુખ્ય સુવિધાઓ અને વિકાસ કાર્યો:
• મંદિર બ્યુટિફિકેશન
• ટુરિસ્ટ પાથવે
• પાર્કિંગની સુવિધા
• લાઇટ એન્ડ સાઉન્ડ શો
• ભગવાન શ્રીકૃષ્ણના જીવન પર આધારિત થીમ આધારિત મૂર્તિઓ (કલા કૃતિઓ)
• પ્રત્યેક દુકાન માટે એકસરખો ડિઝાઇન
• મંદિર પરિસર આસપાસના મંદિરોનું સંકલન
• શ્રીકૃષ્ણની વિશાળ પૃતિમા
• 3D સેન્ટર - અનોખો ભાગવદ ગીતા એક્સપીરિયન્સ ઝોન
દ્વારકાના વિવિધ મંદિરોને આ કરિડોર સાથે જોડવામાં આવશે. તેમાં દ્વારકાધીશ મંદિર, રુક્મિણી-બલરામ મંદિર, સાંવળિયાજી મંદિર, ગોવર્ધન્ન મંદિર, મહાપ્રભુ બેઠક, વસુદેવ મંદિર, હનુમાન મંદિરથી લઈને નારાયણ મંદિર સુધીનો સમાવેશ કરવામાં આવશે.
ઉપરાંત, પંચકુઈ આઇલેન્ડ (મંદિર સામે) પાસે ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવાની પણ યોજના છે, જે દ્વારકા દર્શનને આધ્યાત્મિકતા સાથે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બનાવશે.
સૂત્રો મુજબ રિલાયન્સ જૂથ અને અદાણી ગ્રુપ બંનેએ આ પ્રોજેક્ટમાં રસ દર્શાવ્યો છે. ચર્ચા એવી પણ છે કે પંચકુઈ અને સોના ની દ્વારકા વિસ્તારના વિકાસ કાર્યો રિલાયન્સને તથા મંદિર આસપાસના કાર્યો અદાણી ગ્રુપને સોંપવામાં આવશે.
આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા 36 મહિનાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જોકે સત્તાવાર રીતે કોને ટેન્ડર આપવામાં આવશે તેની જાહેરાત હજી સુધી થઈ નથી.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
