<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

જુનાગઢ ઉપલા દાતારના મહાપર્વ ચાર દિવસીય ઉર્ષનો પ્રારંભઃ રાત્રે પૂ. ભીમબાપુના સાનિધ્‍યમાં

આભુષણોની ચંદન વિધીઃ ચુસ્‍ત બંદોબસ્‍ત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. રઃ  કોમી એકતાના પ્રતિક એવા ઉપલાદાતાર ખાતે તા. ર ને મંગવાર થી તા. પ ને શનિવાર સુધી મહાપર્વ ઉર્ષની ઉજવણી કરવામાં આવનાર છે.

જેનો આજથી પૂ. ભીમબાપુના સાનિધ્‍યમાં પ્રારંભ થયો છે જેમાં આજે રાત્રે દાતારબાપુના અમુલ્‍ય આભુષણો જે વર્ષમાં એકવાર ગુફામાંથી બહાર આવે છે અને તેની ચંદન અને પુજા અર્ચન કરી મુળ જગ્‍યાએ પધરાવવામાં આવે છે અને ચંદન વિધી કરવામાં આવે છે. આ આભુષણોના દર્શન કરવા ભાવિકોનો મોટો પ્રવાહ આખી રાત દાતારની જગ્‍યા ખાતે ઉમટી પડે છે.

બુધવારે આરામનો દિવસ અને ગુરૂવારે મહેંદી દિપમાલાથી દાતારની ટેકરી પર દિપ પ્રગટાવી ગોઠવવામાં આવશે અને ટેકરી રોશનીથી ઝળહળી ઉઠશે અને શનિવારે ધુપ લોબાન સાથે આ ચાર દિવસીય ઉર્ષ પુર્ણ થશે દાતાર બાપુના મહાપર્વ ઉર્ષના વિવિધ પ્રસંગોના દર્શન તથા પ્રસાદનો લાભ લેવા દાતાર ભકતો સેવકોને પૂ. ભીમબાપુએ જાહેર નિમંત્રણ પાઠવ્‍યું છે.

આ ઉર્ષ દરમ્‍યાન કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે એસ.પી. શ્રી સુબોધ ઓડેદરાની સુચના અને ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યાના માર્ગદર્શન હેઠળ ચુસ્‍ત રાઉન્‍ડ ધ કલોક પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવેલ છે.

(11:21 AM IST)