News of Wednesday, 3rd September 2025
જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત બન્ને વિસર્જન કુંડ માં ૭ દિવસમાં ૨૨૯૦ ગણેશજી ની મૂર્તિનું વિસર્જન
'ગણપતિ બાપા મોરિયા અગલે બરસ કો જલ્દી આ' ના નારા સાથે જામનગરમાં ગઈકાલે સાતમાં દિવસે અનેક સ્થળેથી ગણપતિ વિસર્જન ના વાજતે ગાજતે પ્રોશેષન નીકળ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૩:'છોટી કાશી' ના ઉપનામ થી પ્રચલિત જામનગર શહેરમાં ગણપતિ મહોત્સવની પણ ધામધૂમથી ઉજવણી થઇ રહી છે, અને શહેરના અનેક મોટા ચોક, નાની શેરી ગલ્લી, એપાર્ટમેન્ટના પાર્કિંગ સહિતના વિવિધ સ્થળો પર મોટી સંખ્યા માં ગણપતિ સ્થાપન કરવામાં આવ્યા છે, અને પ્રતિદિન ધાર્મિક કાર્યક્રમો, મહા આરતી વગેરેના આયોજન થાય છે.
ગઈકાલે ગણપતિ સ્થાપન ના સાતમાં દિવસે કેટલાક ગણપતિ મંડળ ના સંચાલકો કે જેઓ દ્વારા ૭ દિવસના ગણપતિ નું સ્થાપન કરવામાં આવ્યું હતું, જે તમામ ગણપતિ મંડળના આયોજકો દ્વારા 'ગણપતિ બાપા મોરિયા અગલે બરસ કો જલ્દી આ' ના નારા સાથે વાજતે ગાજતે ભગવાન ગણેશજી ની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું, અને શહેરમાં અનેક સ્થળે ગણપતિ વિદાય વેળાની ધુનો સંભળાઈ હતી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં બે વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ગઈકાલ સુધીમાં કુલ ૨૨૯૦ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગણેશજીની સ્થાપના થઇ છે, ત્યારબાદ પ્રતિદિન અન્યથા એકાંતરા ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા બે કૃત્રિમ વિસર્જન કુંડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ વિસર્જનકુંડ વિશાલ હોટલ પાસે બનાવાયો છે, તે સ્થળે ગઈકાલે ૩૭૧ સહિત ૭ દિવસમાં ૧,૫૭૭ ગણપતિની મૂર્તિ નું વિસર્જન કરવામાં આવ્યું હતું, જયારે બીજો વિસર્જનકુંડ લાલપુર બાયપાસથી રણજીતસાગર જતાં સરદાર રીવેરા સોસાયટી પાસે બનાવાયો છે, જ્યાં ગઈકાલે ૭ મા દિવસે ૨૧૪ ગણપતિ ની મૂર્તિનું વિસર્જન કરાયું હતું. આમ કુલ બે દિવસ દરમિયાન ૫૮૫ સહિત બંને વિસર્જનકૂંડ ના કુલ ૨,૨૯૦ ગણપતિની મૂર્તિનું વિસર્જન કરી લેવાયું છે. જે બંને સ્થળે જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના વર્ક આસી. હિરેન સોલંકી ની રાહબરી હેઠળ ફાયર બ્રિગેડ તથા અલગ અલગ વિભાગની ટુકડી તહેનાત રાખવામાં આવી છે.
(9:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
