<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

શુક્રવારે પૈગમ્‍બર જયંતિઃ સર્વત્ર યોજાશે જુલૂસઃ કાલે મીલાદની રાત્રિ

મસ્‍જિદ, મદ્રેસા, મજારોને શણગારઃ ઠેરઠેર લ્‍હેરાતા ઝંડાઃ મુસ્‍લિમ વિસ્‍તારોમાં ઘરે ઘરે રોશની : બને ત્‍યાં સુધી સફેદ વષાો પહેરી, નાના-મોટા વાહનો સાથે શિસ્‍તબધ્‍ધ રીતે જુલૂસમાં જોડાવવા ર્યોમુન્નબી કમિટીની અપીલ : પાંચમી તારીખે પરોઢિયે મીલાદ શરીફ બાદ પઃર૦ વાગ્‍યે મસ્‍જીદો ‘સલામી' પઠનથી ગુંજી ઉઠશે : રાજકોટમાં શુક્રવારે સવારે જ જુલૂસ નિકળશેઃ અનેક ગામોમાં બપોરે નમાઝ પછી આયોજન

રાજકોટ શહેરમાં અનેક વિસ્‍તારોમાં રોશનીનો ઝળહળાટ કરી જાહેર સ્‍તાઓ શણગારયા છે તે પૈકી કોઠારીયા રોડ પાછળ આવેલ શિયાણીનગર સોસાયટીના મેઇન રોડ ઉપર થયેલ ભવ્‍ય રોશની ત્‍થા ત્‍યાંજ આવેલ મસ્‍જીદે નસીમને રોશની કરવામાં આવી છે તે તસ્‍વીરમાં નજરે પડી રહી છે

રાજકોટ, તા., ૩ :  આગામી શુક્રવારના રોજ પૈગમ્‍બર સાહેબનો જન્‍મોત્‍સવ  ભવ્‍યતાથી  ઉજવવામાં આવનાર છે.  આ તકે સર્વત્ર શુક્રવારે જુલૂસો નિકળનાર હોવાનું જાણવા મળે છે. બીજી તરફ આ વખતે ઇંદે મીલાદ શુક્રવારે ઉજવવામાં આવનાર હોય શુક્રવારના દિવસના લીધે મુસ્‍લિમ સમાજમાં બમણો ઉત્‍સાહ પ્રવર્તે છે.

ઇસ્‍લામ ધર્મના સ્‍થાપક અને મહાન અંતિમ પૈગમ્‍બર હઝરત મુહમ્‍મદ સાહેબનો જન્‍મોત્‍સવ ઈદે મીલાદ ના સ્‍વરૂપે શુક્રવારે ઉજવવામાં આવનાર છે.

આ પૂર્વે ગુરૂવારે આખી રાત મસ્‍જીદો ખુલ્લી રહેશે અને શુક્રવાર વ્‍હેલી સવારે પૈગમ્‍બર સાહબેના જન્‍મોત્‍સવને વધાવવામાં આવશે, આ માટેની પુરજોશ તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ ઈદે મીલાદ ની ખાસ વિશેષતા મુજબ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં ગામે ગામ શુક્રવારે જુલૂસ યોજવામાં આવશે.

રાબેતા મુજબ શુક્રવારે ઇદે-મીલાદ પ્રસંગે પૈગમ્‍બર સાહેબની પ્રસંશામાં ભવ્‍ય જુલૂસ નિકળનાર છે જે લતે લતે મસ્‍જીદેથી નિકળી રાબેતા મુજબના રૂટ ઉપરથી પસાર થશે.

પૈગમ્‍બર સાહેબની જન્‍મ જયંતિ ઉજવવા મુસ્‍લિમ સમાજમાં અનેરો ઉત્‍સાહ પ્રવર્તી રહ્યો છે.

પૈગમ્‍બર સાહેબની હિજરીસન મુજબ આ વખતે ૧પ૦૦ મી જન્‍મ જયંતિ ઈદે મીલાદના સ્‍વરૂપમાં ઉજવવામાંઆવશે. એ દર વર્ષે ઇસ્‍લામી પંચાગના ત્રીજા મહિના રબીઉલ અવ્‍વલની ૧૨ મી તારીખે ઉજવાય છે.

બીજી તરફ આ વખતે ઈદે મીલાદ શુક્રવારના દિવસે ઉજવવામાં આવનાર હોય જેના લીધે ઈદનો અનેરો ઉત્‍સાહ પ્રવર્તી રહ્યો છે.

જો કે, ગત ૨૪ મી તારીખે રવિવારે સાંજે ચંદ્ર દર્શન થતા જ એ રાત્રીથી લતે લતે ૧૨ દિવસના સળંગ વાઅઝના કાર્યક્રમો ચાલી રહ્યા છે જેની કાલે ગુરૂવારના રાત્રીના પુર્ણાહૂતિ થનાર છે.

ખાસ કરીને ઇસ્‍લામ ધર્મની આ સૌથી મોટી ઈદ હોઈ જેને ઇદે મીલાદ કહેવામાં આવે છે. અને તેમાં પૈગમ્‍બર સાહેબના ગુણગાન ગાવાના હોઇ આ દિવસે સર્વત્ર દેશ-વિદેશમાં જુલૂસ કાઢવામાં આવે છે અને તેમાં મુસ્‍લિમ સમાજ મોટી માત્રામાં જોડાય છે.

સૌરાષ્‍ટ્રભરમાં શુક્રવારે સવારના  નાના ગામોમાં જુલૂસ નીકળનારા છે અને શુક્રવારના લીધે આ વખતે કયાંક અને મોટા શહેરોમાં બપોરના જુલૂસ નિકળશે. એ પૂર્વે કાલે ગુરૂવારના રાત્રીના મોડી રાત સુધી મસ્‍જીદોમાં મીલાદ-વાઅઝ-દરૂદખ્‍વાની-ર્કુઆન ખ્‍વાનીના કાર્યક્રમો થશે અને પૈગમ્‍બર સાહેબના જન્‍મ સમયે શુક્રવારે વ્‍હેલી સવારે ૫.૨૦ વાગ્‍યે દરેક મસ્‍જીદોમાં ‘સલામી' અર્પિત કરી પૈગમ્‍બર સાહેબના જન્‍મોત્‍સવને વધાવવામાં આવશે.

એ પૂર્વે મસ્‍જીદોમાં પરોઢિયે ૪.૪૫ વાગ્‍યાથી મીલાદ શરીફ પઢવામાં આવશે અને ફજરની નમાઝ પઢાયા પછી દરેક મસ્‍જીદોમાં ૬/૩૦ વાગ્‍યે. મીઠાઈ નિયાઝ વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત ઇદેમીલાદ એ મુસ્‍લિમ સમાજનો સૌથી પ્‍યારો તહેવાર હોય લતે લતે મકાનો ઉપર રોશની-શણગાર કરવામાં આવ્‍યો છે. મસ્‍જીદ મદ્રેસા દરગાહોને શણગારવામાં આવ્‍યા છે. અને ચોતરફ ઝંડા લ્‍હેરાવવામાં આવ્‍યા છે.

ગત ર૪ મી ઓગષ્‍ટથી મુસ્‍લિમ સમાજમાં ઇદે મીલાદનો ઉત્‍સવ ચાલી રહ્યો છે. ત્‍યારે જુલૂસને સફળ બનાવવા પણ મુસ્‍લિમ સમાજમાં ભારે ઉત્‍સાહ પ્રવર્તિ રહ્યો છે. આ તકે મુસ્‍લિમ સમાજ જડબેસલાક બંધ પાળીને જુલુસમાં જોડાનાર છે. જે માટે પણ તૈયારીઓ ચાર્લી રહી છે.

ઈદે મીલાદની ૧૨ દિ'ની ઉજવણી નિમિતે રાજકોટ શહેરમાં અનેક વિસ્‍તારોમાં  ૧૨ દિ'ના વાઅઝના કાર્યક્રમો યોજાયા છે. જે કાલે રાત્રે પૂરા થઈ જશે.

બીજી તરફ મુસ્‍લિમ વિસ્‍તારોમાં દરેક મકાનો ઉપર રંગબેરંગી રોશની કરવામાં આવી હોઈ મુસ્‍લિમ વિસ્‍તારો રાત થતાં જ ઝળહળી ઉઠયા છે.

દરમિયાન યૌમુન્નબી કમીટી, રાજકોટ દ્વારા આગામી શુક્રવારે શહેરમાં ભવ્‍ય ઉજવણીની તૈયારીઓ અંતર્ગત વિશાળ સંખ્‍યામાં લોકોને ઝુલુસમાં જોડાવા જાહેર અપીલ કરવામાં આવી છે. આ વર્ષે ૧૫૦૦ વર્ષ પૂર્ણ થતા પૈગંબર સાહેબના વિલાદત પર્વને ઉજવવા માટે મુસ્‍લિમ સમાજમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. પેગંબર સાહેબના વિલાદત (જન્‍મ)ના પર્વને પ્રેમ, ત્‍યાગ, શાંતિ, અમન અને ભાઈચારાની ભાવનાનો સંદેશો આપવાના ઉદ્દેશ્‍યથી ઉજવવામાં આવે છે. ૧૨મી રબીઉલ અવ્‍વલના પ્રમાણે ૨૨ એપ્રિલ ૫૭૧ના સોમવારે મક્કા શરીફમાં જન્‍મ થયો હતો
 અને ૨૯ સપ્‍ટેમ્‍બર ૧૨૨ના ૧૨ રબીઉલ અવ્‍વલ સોમવારે મદીના શરીફમાં પ્રવેશ્‍યા હતા. જગતના ૬૩ વર્ષના પવિત્ર જીવન વિતાવ્‍યા પછી આ ખુશીમાં મુસ્‍લિમ સમાજ દ્વારા તેમની વિલાદત પર્વની ઉજવણી કરાય છે.

 શુક્રવારે સવારે ભવ્‍ય ઝુલુસ શહેરના રાજમાર્ગો પરથી પોતાના રૂટ મુજબ નીકળશે. આ પૂર્વે ૪ સપ્‍ટેમ્‍બર, ગુરુવારે મોટી રાતના નિમિત્તે શહેરની તમામ મસ્‍જદોમાં મોડી રાત સુધી નમાઝ, ઈબાદત, તીલાવત, નાત શરીફ, દરૂદ શરીફનું પઠન કરવામાં આવશે. બાલ મુબારકના દિદાર તેમજ સવારે ૫ કલાકે સલામી પેશ કરવામાં આવશે, ત્‍યારબાદ ફઝરની નમાઝ અદા કરવામાં આવશે. ૧૨ દિવસ વાએઝ શરીફના કાર્યક્રમ, મહેફીલોમાં બહેનો માટે મઝલીસ તેમજ ન્‍યાઝ (પ્રસાદી) પ્રોગ્રામ થશે. બધી મસ્‍જીદો, મદ્રેસા, દરગાહ શરીફ તેમજ પોતાના મકાનો પર ભરપુર રોશનીથી શણગાર કરવામાં આવશે.

આ ઝુલુસમાં સામેલ થઈ તમામ મુસ્‍લિમોએ પોતાના કામ-ધંધા બંધ રાખી, નાના- મોટા વાહનોને સુશોભિત કરીને જોડાવા. તકેદારીના પગલા તરીકે બાળકો અને બુઝુગોને ખાસ પોતાના વાહનોમાં સમાવી લેવા, ટુ-વ્‍હીલર જેવા મોટરસાયકલોને લાઈનબંધ ચલાવવા, ઓવરટેક કે વધુ સ્‍પીડથી ન ચલાવવા, ટ્રક જેવા ભારે વાહનો પાછળ બાળકોને લટકાવવા નહી તેવી તકેદારી રાખવાની સલાહ આપી છે. બને તેટલી સુધી સફેદ લીબાસ પહેરવાની અપીલ પણ કરવામાં આવી છે.

યૌમુન્નબી કમીટી દ્વારા ગૌશાળામાં ગાયોને ઘાસચારો, હોસ્‍પિટલમાં ફુટ વિતરણ, મંદબુદ્ધિઓના બાળકોને જમણવાર, મધર ટેરેસા આશ્રમમાં ભોજન કરાવવા જેવા કાર્યો કરવામાં આવશે. વ્‍યવસ્‍થાઓને સુંદર અને બેનમુન બનાવવા કમીટી અથાગ પ્રયત્‍નો કરી રહી છે. શહેરના જુદા-જુદા વિસ્‍તારોમાં ઠેર-ઠેર ન્‍યાઝ (પ્રસાદી)ના કાર્યક્રમ રાખવામાં આવ્‍યા છે.

શહેરના ભીસ્‍તીવાડ, સદર બજાર, નહેરુનગર, દુધની ડેરી, પોપટપરા, બાબરીયા કોલોની, ખોડીયારપરા, ગોકુલનગર, થારાળા,  કોઠારીયા સોલવન્‍ટ, મનહરપરા, રૂખડીયાપરા, ભગવતીપરા, મોચીબજાર, લક્ષ્મીનગર, બજરંગવાડી, પોલીસ હેડ કવાર્ટર, રામનાથપરા, ઘાંચીવાડ, હુસેની ચોક, મહંમદીબાગ, રસુલપરા, નુરાનીપરા વગેરે વિવિધ વિસ્‍તારોમાંથી સુશોભિત વાહનો, વગેરેની વ્‍યવસ્‍થા કરીને મુસ્‍લિમ સમાજ ઉત્‍સાહપૂર્વક જોડાશે તેમ એક યાદીમાં જણાવાયું છે.

(10:48 AM IST)