News of Wednesday, 3rd September 2025
જામનગરમાં ‘શ્રી દગડુશેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવ' પંડાલના આયોજકો દ્વારા ૯ મો વિશ્વ રેકોર્ડ સર્જવાનો નવતર પ્રયોગ
મેદસ્વિતા મુક્ત ગુજરાતની થીમ સાથે ૧૦ કિલો તેલીબિયાંમાંથી ૫.૫ ફૂટની ઉંચાઈના ગણપતિજી બનાવવામાં આવ્યાઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મેદસ્વિતા ઘટાડવા માટે ૧૦% તેલનો ઓછો ઉપયોગ કરવાનો સંદેશ લોકો સુધી પહોચાડવાના હેતુથી તેલીબિયાંનો ઉપયોગ કરાયોઃ ગુજરાત સરકાર દ્વારા ‘શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા-૨૦૨૫'નું આયોજન કરવા બદલ આભારઃ ભરતસિંહ પરમાર (આયોજક)

(મકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩: જામનગર શહેરના બેડી ગેઇટ, કડિયા બજાર રોડ પર શ્રી દગડુશેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવમાં છેલ્લા ૨૯ વર્ષથી વિવિધ થીમ પર એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. અહીં દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરી, લોકજાગળતિ લાવવા પણ પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મેદસ્વિતા ઘટાડવા માટે તેલના ઓછા ઉપયોગ માટે આહ્વાન કરાયું છે, જે વાતને આ ગણેશ પંડાલમાં ખાસ ભાર આપવામાં આવ્યો છે. અને વિવિધ તેલીબિયાંની થીમ ઉપર ગણપતિ બનાવવામાં આવ્યા છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના તેલ વપરાશ ૧૦% ઘટાડવાના સંદેશને પ્રોત્સાહન આપવા તથા લોકોનું સ્વાસ્થ્ય સુધરે અને મેદસ્વીતા મુક્ત ગુજરાતના સુત્રને ધ્યાને લઇ ગણપતિજીની મૂર્તિની બનાવટમાં સોયાબીન, મકાઈ, સરસવ, તલ, એરંડા, કપાસ, સીંગદાણા, રાયડો, સૂરજમુખી, નારીયેળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ આ વર્ષે ગણપતિજીને વિવિધ તેલીબિયાના સૌથી વધુ ત્રણ મુગટ પહેરાવીને વિશ્વ રેકોર્ડ બનાવવા માટે નોમિનેશન નોંધાવ્યું છે.
એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા અગાઉ પણ વિવિધ થીમ આધરિત ગણેશ પંડાલ અને પ્રસાદનું આયોજન કરી ૮ વિશ્વ રેકોર્ડ સર્જવામાં આવ્યા છે. અને આ વખતે ૯ મો વિશ્વ રેકોર્ડ સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બહોળી સંખ્યામાં જામનગર વાસીઓ આ અદ્ભુત ગણપતિજીના દર્શનાર્થે આવે છે. ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગણપતિજી વિસર્જન માટે કળત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે તે મુજબ જ ૧૧માં દિવસે આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે.
એઈટ વન્ડર્સ ગ્રુપના સભ્ય ભરતસિંહ પરમાર જણાવે છે કે, શ્રી દગડુશેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ દ્વારા ૨૯ વર્ષથી સામાજિક સંદેશ આપતી થીમ પર ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. વડાપ્રધાનશ્રી એ લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી ૧૦% તેલ ઓછું ખાવા માટે જણાવ્યું હતું તેને અનુસરીને અમારી ટીમ દ્વારા આ વખતે ભારતના અલગ અલગ રાજ્યોમાં વપરાશ થતા અલગ અલગ તેલીબિયાંનો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવેલી છે.
૧૦ પ્રકારના ૧૦ કિલો તેલીબિયાંનો ઉપયોગ ૫.૫ ફૂટની ઉંચાઈ મૂર્તિ બનાવવામાં ૧૫ લોકોની જહેમતથી ૧ મહિનાનો સમય લાગ્યો, તેલીબિયામાંથી મૂર્તિ, મૂષક સહીત ૩મુગટ બનાવી ૯મો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ, મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન તથા ફિટનેસનો સંદેશો લોકો સુધી પહોચે તે હેતુથી મૂર્તિની સ્થાપના, ખાસલેખ : પારૂલ કાનગડ, ફોટોઃ ગજેન્દ્રસિંહ જાડેજા/ અમિત ચંદ્રવાડિયા માહિતી ખાતુ - જામનગર
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
