<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

જામનગરના “ગિરનારી મિત્ર મંડળ” ગણપતિ પંડાલમાં ઝળક્યું શૌર્ય અને આસ્થાનું પ્રતિબિંબ : સૈન્યના મનોબળને મજબુત કરવા “ઓપરેશન સિંદુર”ની થીમ આધારિત સ્થાપિત ગણપતિજીની બનાવટમાં માટી, શણ, નાળીયેર અને વાંસનો ઉપયોગ કરાયો

ગણપતિ મહોત્સવ દરમિયાન સર્વ રોગ નિદાન કેમ્પ, મહાઆરતી, દેશભક્તિની થીમ આધારિત વિવિધ ઝાંખીઓનું પણ આયોજન કરવામાં આવે છે: આયોજક ઉમેશભાઈ ગિરનારી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરીને ચોક્ક્સ થીમ આધારિત 'શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫' યોજવામાં આવી છે. ગણેશ મહોત્સવ દરમિયાન રાજ્યભરમાં જે પંડાલ તૈયાર કરવામાં આવ્યા છે તેને નિયત થીમ આધારે શ્રેષ્ઠ રીતે તૈયાર કરનાર જૂથને શહેર તથા જિલ્લા કક્ષાની અલગ અલગ ટીમો દ્વારા મૂલ્યાંકન કરી પ્રોત્સાહન આપવામાં આવશે. 

ત્યારે જામનગર જિલ્લામાં પણ વિવિધ જગ્યાઓ પર થીમ આધારિત ગણપતિ પંડાલ બનાવવામાં આવ્યા છે. શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં “ગિરનારી મિત્ર મંડળ” દ્વારા “ઓપરેશન સિંદુર”ની થીમ આધારિત પંડાલ બનાવવામાં આવ્યો છે. આ દેશભક્તિની થીમ થકી સૈન્યના મનોબળને મજબૂત કરી શકાશે તેમજ સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાના હેતુથી માટી, નાળીયેર, શણ તથા વાંસમાંથી ઇકો ફ્રેન્ડલી ગણપતિજી બનાવવામાં આવ્યા છે. 

“ગિરનારી મિત્ર મંડળ” ગ્રુપના સભ્ય ઉમેશભાઈ ગિરનારી જણાવે છે કે, છેલ્લા ૨૧ વર્ષથી તેમના ગ્રુપ દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે કોલકત્તાથી કારીગર બોલાવીને ૪૧ દિવસની જહેમત બાદ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. પહલગામ આતંકી હુમલામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા તેમને શ્રદ્ધાંજલી પાઠવવા, ઓપરેશન સિંદુર તથા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરવાના હેતુથી લોકોને સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવવાનો સંદેશો પહોચાડવાનો આ થીમ પાછળનો હેતુ છે.

આ સિવાય ગિરનારી મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં સર્વ રોગ નિદાન કેમ્પ, સર્વજ્ઞાતિને આમંત્રણ આપી ગણપતિજીની પૂજા, દેશભક્તિની થીમ આધારિત વિવિધ ઝાંખીઓ રજુ કરવામાં આવે છે. તેઓ વધુમાં જણાવે છે કે આ વર્ષે સરકાર દ્વારા 'શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫'નું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમે ભાગ લીધો છે. દેશ ભક્તિની થીમ પર ગણપતિજીની સ્થાપના કરવાની પ્રેરણા પૂરી પાડવા બદલ અમે સરકારનો અભાર વ્યક્ત કરીએ છીએ.(ખાસલેખ: પારૂલ કાનગડ-ફોટો/વિડીઓ: ગજેન્દ્રસિંહ જાડેજા/ અમિત ચંદ્રવાડિયા- માહિતી ખાતું- જામનગર)

(2:40 PM IST)