News of Wednesday, 3rd September 2025
ભાવનગરના ગંગાજળિયા તળાવ નજીક દબાણ હટાવ કામગીરી સામે નાના વેપારીઓમાં ભારે આક્રોશ : મનપા કચેરીએ હોબાળો
મોટી સંખ્યામાં લારી પાથરણા ધારકોએ મનપા કચેરી પહોંચી હોબાળો કર્યો :એડિશનલ કમિશનર સમક્ષ રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ

ભાવનગરના ગંગાજળિયા તળાવ નજીકથી લારી-ગલ્લા હટાવવાની BMCની કાર્યવાહીથી નાના વેપારીઓમાં રોષની લાગણી ફેલાઈ, મોટી સંખ્યામાં લારી પાથરણા ધારકો મનપા કચેરી પહોંચી હોબાળો કરાયો, એડિશનલ કમિશનર સમક્ષ રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ, જ્યારે મનપા દ્વારા વેન્ડર ઝોન ખાતે વેપાર કરવા જગ્યા ફાળવી હોય ત્યાં વેચાણ કરવા સૂચના અપાઈ, સાથે સ્થળ વિઝીટ કરી જો યોગ્ય લાગશે તો વૈકલ્પિક વ્યવસ્થા કરવા ખાત્રી અપાઈ છે.
ભાવનગર શહેરના મુખ્ય શાકમાર્કેટ વિસ્તારમાં ગંગાજળિયા તળાવ નજીક લાગેલા લારીઓ અને ગલ્લાઓ સામે ભાવનગર મહાનગર પાલિકા દ્વારા દબાણ હટાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવ ટીમે રોડ રસ્તા ઉપર અડચણરૂપ રીતે ઉભેલી લારીઓ અને ગલ્લાઓ હટાવીને તેમના સામાન જપ્ત કર્યા હતા. BMC તરફથી અગાઉ લારી ધારકોને સૂચના અપાઈ હતી કે, તેઓ રોડની બંને બાજુ અવરજવર માટે જગ્યા છોડી લારી મૂકે, પરંતુ સૂચનાઓનું પાલન ન થતા મનપા દ્વારા આ પગલું લેવામાં આવ્યું હતું. મહાનગર પાલિકાની આ કામગીરીને લઈને શહેરમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું. દબાણ હટાવની કાર્યવાહી બાદ નારાજ વેપારીઓ મોટી સંખ્યામાં BMC કચેરી ખાતે પહોંચ્યા હતા. કેટલાંક લારી પાથરણા ધારકોે આક્ષેપ કર્યો હતો કે મનપા દ્વારા માત્ર નાના શાકબજારના લારી ધારકોને ટાર્ગેટ કરવામાં આવે છે. જ્યારે દારૂના ધંધાર્થીઓ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.
મનપા કચેરી ખાતે આવેલા લોકોએ ભારે હોબાળો કરાતા કચેરીના દરવાજા પણ બંધ કરવામાં આવ્યા હતા. જોકે વિરોધ કરી રહેલા વેપારીઓએ અધિકારીઓ સમક્ષ પોતાની માંગણીઓ રજુ કરતા અધિકારી દ્વારા તેમને વેન્ડર ઝોનમાં સ્થાન લઈને નિયમ મુજબ વ્યવસાય કરવાની સૂચના અપાઈ હતી. અને સાથે જ શાકમાર્કેટમાં સ્થળ વિઝીટ કરી જો યોગ્ય લાગશે તો વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની ખાત્રી પણ આપી હતી
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
