News of Wednesday, 3rd September 2025
જુનાગઢની હોસ્ટેલમાં પાંચ વિદ્યાર્થીએ ભેગા મળી એકને ગંભીર માર માર્યો!
દોઢ મહિને વીડિયો વાયરલ થતા સંચાલકોનું ચલક ચલાણું:આ ઘટના દોઢ મહિના પહેલા બની હતી, છતાં શાળાના સંચાલકો દ્વારા આ ઘટના અંગેની જાણ જ કરવામાં નહોતી

જુનાગઢતા.૩
જુનાગઢઃ અમદાવાદની સેવેન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી દ્વારા અન્ય સહવિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ ગુજરાતભરમાંથી સ્કૂલોમાં આવી ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આ ઘટનાના લાંબા લિસ્ટમાં હાલ જુનાગઢ શહેરની એક ખાનગી શાળાનો સમાવેશ થયો છે, જ્યાં શાળાની હોસ્ટેલમાં પાંચ-છ જેટલા વિદ્યાર્થીએ એક ટોળકી બનાવી અન્ય એક વિદ્યાર્થીને માર મારતા હોવાની ઘટના સામે આવી છે. જે ઘટના પોલીસ સ્ટેશન પહોંચતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે.
મળતી માહિતી મુજબ, જુનાગઢના મધુરમ ચોકડી નજીક આવેલી આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની આ ઘટના છે, જ્યાંની હોસ્ટેલમાં પાંચથી છ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થીને ગંભીર રીતે માર મારતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જે વાયરલ વીડિયો ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીના ધ્યાન પર આવતા તે શાળાએ દોડી આવ્યા હતા, તેમજ શાળા સંચાલક અને હોસ્ટેલ સંચાલકો સામે બેદરકારીના આક્ષેપો કર્યા છે.
વધુમાં વિદ્યાર્થીના વાલીએ આક્ષેપ કર્યા છે કે, આ ઘટના દોઢ મહિના પહેલા બની હતી, છતાં શાળાના સંચાલકો દ્વારા આ ઘટના અંગેની જાણ જ કરવામાં નહોતી આવી અને ઘટના રફે દફે કરવાનો પ્રયાસ હોસ્ટેલ સંચાલકોએ કર્યો હતો. આ સમગ્ર ઘટનાના પગલે પરિવારજનો દ્વારા હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા અને જ્યાં આ ઘટનાને લઈને રોષ ઠાલવ્યો હતો. હોસ્ટેલ અને સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પરિવારજનો દ્વારા કરવામાં આવી છે તેમ જ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૃ કરાઈ છે.
નોંધનીય છે કે, આ એક વિદ્યાર્થીને ચાર જેટલા વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ પણ એક્શનમાં આવી છે, પોલીસ દ્વારા વાલી ભોગ બનનાર વિદ્યાર્થીઓના નિવેદન લેવાની કામગીરી શરૃ કરવામાં આવી છે. ત્યારે તપાસમાં સામે આવ્યું છે કે, આ ઘટના ગત ૨૬-૭-૨૦૨૫ના રોજ ઘટના બની હતી, જેમાં ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ વચ્ચે રમતગમત બાબતે બબાલ થઈ હતી અને બાદમાં રૃમમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થીને ઢોર મારવામાં આવ્યો છે. વધુમાં આ ઘટનાને પગલે વિદ્યાર્થીના વાલીઓ દ્વારા પાંચ જેટલા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ સગીર હોવાથી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી શરૃ કરાઇ છે.
સમગ્ર બનાવ અંગે, આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં થયેલી આ ઘટના મામલે શાળા સંચાલક દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, આ ઘટના સ્કૂલમાં નહીં પરંતુ હોસ્ટેલમાં બની છે અને હોસ્ટેલ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ભાડે આપવામાં આવી છે, જેથી તમામ જવાબદારી હોસ્ટેલ સંચાલકોની રહે છે તેવું નિવેદન આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક જી. પી. કાઠીએ આપ્યું હતું. બીજી તરફ હોસ્ટેલ સંચાલક હાર્દિક બારડએ નિવેદન આપ્યું કે, ઘટનાની જાણ તમામ વાલીઓને કરી દેવામાં આવી છે અને જે વિદ્યાર્થીઓ દ્વારા મારવામાં આવ્યો હતો, તે તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી છુટા કરી દેવામાં આવ્યા છે.
હાલ આ આખી ઘટનાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા પણ તપાસ શરૃ કરવામાં આવી છે. ત્યારે ઘટના સ્કૂલમાં નહીં હોસ્ટેલમાં બની છે જો આગામી સમયમાં તપાસમાં શાળાની બેદરકારી જણાશે, તો વિદ્યાર્થીઓની સુરક્ષા ન રાખવા બદલ શાળા સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
જુનાગઢની હોસ્ટેલમાં પાંચ વિદ્યાર્થીએ ભેગા મળી એકને ગંભીર માર માર્યો! દોઢ મહિને વીડિયો વાયરલ થતા સંચાલકોનું ચલક ચલાણું
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
