<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

ખાંભાનો મોભનેશ ડેમ ખાલીખમ હાલતમાં, ખેડૂતો બન્યા ચિંતિત

મોભનેશ ડેમમાં ૧૦ ટકા જ પાણી છેઃખાંભા શહેર અને આસપાસના ૮ ગામનો જીવાદોરી સમાન મોભનેશ ડેમ પણ ખાલી પડ્યો છે

અમરેલી , તા.૪

અમરેલી જિલ્લાનું ખાંભા અને ખાંભા ગીર પંથક ખેતી અને પશુપાલન પર આધારિત છે. ત્યારે ખાંભાના મોભનેશ ડેમનું રિનોવેશન માટે થઈ ગત ઉનાળામાં ડેમ ખાલી કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મોભનેસ ડેમનું રિનોવેશન હાલ ચોમાસામાં પણ ચાલુ છે. બીજું બાજુ ચાલુ વર્ષ ચોમાસામાં ઓછા વરસાદને પગલે નદી નાળાઓ અને ડેમો ખાલીખમ પડ્યા છે અને ખાંભા શહેર અને આસપાસના ૮ ગામનો જીવાદોરી સમાન મોભનેશ ડેમ પણ ખાલી પડ્યો છે, ત્યારે સૌની યોજનાનું પાણી આપવા ખેડૂતોએ માગ કરી છે.

ખાંભા શહેર અને આસપાસના ૮ ગામના ખેડૂતો માટે આશીર્વાદ રૃપી મોભનેશ ડેમ ખાલી હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે અને ચોમાસાના ૩ મહિના જતા રહેવા છતાં ખાંભાના મોભનેશ ડેમમાં ૧૦ ટકા જ પાણી છે .

 ડેમ ખાલી હોવાથી ખેડૂતોને આવતો શિયાળુ અને ઉનાળુ પાક લેવો મુશ્કેલ થશે, ત્યારે હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ખાંભા ખાતે પહેલા આવ્યા હતા, ત્યારે મોભનેશ ડેમમાં સૌની યોજનાનું પાણી આપવાની જાહેરાત કરી હતી, પરંતુ આજ દિન સુધી સૌની યોજનાનું પાણી ખાંભા તાલુકાને મળ્યું નથી.

હાલ મોભનેશ ડેમનું કામ ચાલુ છે અને ડેમનું કામ સેફટેજ સુધી પહોંચાડી દીધું છે અને અત્યારે વરસાદ આવે તો ડેમ ભરાઈ શકે તેમ છે અને પીચિંગનું કામ બાકી છે તે ચોમાસા બાદ શરૃ કરવામાં આવશે. અત્યારે એચઆરવેલની કામગીરી અને વેસ્ટઈયર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે એટલે ગેટ બંધ કરી જ્યારે પણ વરસાદ આવશે ત્યારે ડેમ ભરાશે અને સૌની યોજનામાંથી મોભનેશ ડેમ ભરાઈ તે માટે અમારા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હોવાનું નાયબ કાર્યપાલક ઇજનેસ એ.કે.ડોડીયાએ જણાવ્યું હતું.

(11:16 PM IST)