<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

મોબાઇલમાં વિડીયો બનાવતી વખતે ૧૪ વર્ષની સગીરાથી ઝેરી દવા પીવાઇ ગઇ!

બોટલ મોઢા પાસે રાખી હોઇ ઢાંકણું ખુલી ગયું: ગોંડલના દેવચડીમાં ખેત મજૂરી કરતાં એમપીના પરિવારની દિકરી રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૫: મોબાઇલ ફોનમાં વિડીયો, રીલ બનાવવાના ચક્કરમાં લોકો ઘણીવાર મુશીબતમાં મુકાઇ જતાં હોય છે. દરમિયાન ગોંડલના દેવચડી ગામે એક બનાવ બન્‍યો છે જેમાં ૧૪ વર્ષની સગીરા  વાડીએ મોબાઇલ ફોનમાં વિડીયો બનાવતી હતી ત્‍યારે ઝેરી દવાની બોટલ મોઢા પાસે રાખી હોઇ તેનું ઢાંકણું ઢીલુ હોઇ ખુલી જતાં દવા મોઢા પર પડતાં ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડાઇ છે.

દેવચડી ગામે એક ખેતરમાં મધ્‍યપ્રદેશના મજૂર તેના પરિવાર સાથે રહીને મજૂરી કરે છે. તેને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. જેમાં ગઇકાલે સાંજે ૧૪ વર્ષની દિકરી મોઢા પાસે ઝેરી દવાની બાટલી રાખી મોબાઇલથી વિડીયો બનાવી રહી હતી. અમસ્‍તા જ તે આ વિડીયો બનાવતી હોઇ તે વખતે ઢાંકણું ખુલી જતાં બોટલમાંથી દવા મોઢા પર આવતાં થોડી પીવાઇ ગઇ હતી. બાદમાં  તેણી ઉલ્‍ટી કરવા માંડતા સારવાર માટે ગોંડલ અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. વિડીયો બનાવતી વખતે ભુલથી દવા પીવાઇ ગયાનું બાળાએ કહ્યું હતું. પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી. (૧૪.૬)

(11:04 AM IST)