<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ફરી મેઘમહેર : ઘોઘા-અઢી, ભચાઉ કુંકાવાવ- વડિયા વિસાવદરમાં ર ઇંચ

ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, જુનાગઢ, મોરબી જીલ્લામાં સમયસરના વરસાદથી પાકને ફાયદો

રાજકોટ, તા. પ :  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ફરી મેઘમહેર શરૂ થઇ છે અને ઝાપટાથી માંડીને અઢી ઇંચ જેટલો વરસાદ પડયો છે. આજે સવારે પણ મેઘાવી માહોલ સાથે વરસાદ વરસી રહ્યો છે.

ભાવનગરના ઘોઘામાં અઢી, ભચાઉ, કુંકાવાવ, વડિયા, વિસાવદરમાં ર ઇંચ વરસાદ  પડયો છે. ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, જુનાગઢ, મોરબી સહિતના વિસ્‍તારોમાં સમયસર વરસાદથી પાકને ફાયદો થયો છે.

ભાવનગર 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :

સમગ્ર ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ વચ્‍ચે અડધાથી અઢી ઇંચ વરસાદ પડ્‍યો છે. જિલ્લાના ગોગા માં અઢી ઇંચ ભાવનગર શહેર અને સિહોરમાં બે ઇંચ ઉમરાળામાં એક ઇંચ વલભીપુરમાં દોઢ ઇંચ વરસાદ પડ્‍યો છે. સમગ્ર પંથકમાં વરસાદી માહોલ થી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

શહેર અને જિલ્લામાં વરસાદની આગાહી ની વચ્‍ચે અડધાથી અઢી ઇંચ વરસાદ પડ્‍યો છે. વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જિલ્લાના ઘોઘામાં અઢી ઇંચ વરસાદ પડતા ઘોઘાનો મોસમનો કુલ વરસાદ ૫૬૨ મી.મી. થઈ ગયો છે . જિલ્લામાં સૌથી વધુ સિહોરમાં મોસમનો કુલ વરસાદ ૧૦૦૦ મી.મી થઈ ગયો છે. જ્‍યારે જિલ્લામાં સૌથી ઓછો વરસાદ તળાજામાં સીઝનનો કુલ વરસાદ ૫૬૯ મી.મી. થયો છે. ભાવનગર શહેરનો સીઝનનો કુલ વરસાદ ૭૬૨મી.મી. થયો છે.

જે સવારે ૬ વાગે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના વલભીપુરમાં ૩૮ મી.મી., ઉમરાળામાં ૨૩ મી.મી., ભાવનગર શહેર ૫૨ મી.મી., ઘોઘા ૬૧ મી.મી. શિહોર ૫૧ મી.મી. ગારીયાધાર ૬ મી.મી. પાલીતાણા ૬ મી.મી. , મહુવા ૫મી.મી.,તળાજા ૮મી.મી. જેસર ૨ મી.મી. વરસાદ નોંધાયો છે.

ભૂજ

 (વિનોદ ગાલા દ્વારા) ભુજઃ ભારે ગરમી અને ઉકળાટ બાદ ગઈકાલે મોડી સાંજે કચ્‍છમાં વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. પૂર્વ કચ્‍છમાં વરસાદી માહોલ સાથે મેઘ સવારી આવી પહોંચી હતી જ્‍યારે પ?મિ કચ્‍છમાં છુટો છવાયો વરસાદ પડ્‍યો હતો. જિલ્લા કંટ્રોલ રૂમના આંકડાઓ અનુસાર ભચાઉમાં બે, રાપરમાં દોઢ અને અંજારમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્‍યારે કંડલા, ગાંધીધામ, આદિપુરમાં ઝાપટા સાથે વરસાદી માહોલ હતો. બંદરીય શહેર મુન્‍દ્રામાં અડધો ઇંચ પાણી પડ્‍યું હતું જ્‍યારે ભુજ અને ખાવડા પંથકમાં ઝાપટા સાથે વરસાદી માહોલ રહ્યો હતો. જોકે, આજે સવારથી દિવસમાં ઉઘાડ છે. કચ્‍છમાં ખેડૂતો ચાતક નજરે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

જુનાગઢ

હવામાન વિભાગની આગાહી મુજબ જુનાગઢ જિલ્લામાં ગઈ રાત્રે મેઘ સવારી આવી પહોંચ્‍યા બાદ આજે સવારે પણ મેઘાવી માહોલ વચ્‍ચે વિસાવદર પંથકમાં સવારે ૨ અને ભેસાણ તાલુકામાં ૧ ઇંચ વરસાદ નોંધાયો હતો.

જુનાગઢ શહેર અને જિલ્લામાં ગુરૂવારની રાત્રે ઓચિંતા જ મેઘરાજાનું આગમન થયું હતું. રાત્રિના ૧૦ થી ૧૨ દરમિયાન સૌથી વધુ ૪૪ મીમી વરસાદ ભેસાણ તાલુકામાં નોંધાયો હતો. જ્‍યારે માણાવદર, માંગરોળ, માળીયા તાલુકામાં ૨-૨ મીમી, વંથલી, કેશોદમાં ૩-૩ મીમી, જુનાગઢમાં ૯ અને વિસાવદર તાલુકામાં ૧૩ મીમી વરસાદ થયો હતો.

રાત્રિના ૧૨ વાગ્‍યા પછી મેઘરાજાએ એકંદરે વિરામ રાખ્‍યો હતો પરંતુ આજે સવારે ફરીથી આળસ મરડતા સવારે ૮ થી ૧૦ દરમિયાન વિસાવદર તાલુકામાં વધુ ૪૪ મીમી અને ભેસાણ વિસ્‍તારમાં વધુ ૨૬ મીમી વરસાદ નોંધાયો હતો. જ્‍યારે જિલ્લાના અન્‍ય વિસ્‍તારોમાં વરસાદી માહોલ હોવાથી આજે દિવસ દરમિયાન મેઘરાજા જમાવટ કરે એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

વિંછીયા

(પિન્‍ટુ શાહ ) વિંછીયાઃ વિંછીયા માં ગત રાત્રે સખત ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજા મહેરબાન થયા હતા અને વીજળી ના કડાકા ભડાકા સાથે અંદાજે અરધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.આ વરસાદ થી ખેતી ના પાક માં ફાયદો થયો છે.સાથે વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઇ છે.શરૂઆત ના એક-બે સારા વરસાદ બાદ મેઘરાજા મન મૂકી વરસ્‍યા ન હતા!! હજુય વરસાદ આવે એવું લોકો ઇચ્‍છી રહ્યા છે..

જામકંડોરણા

(મનસુખભાઇ બાલઘા દ્વારા) જામકંડોરણાઃ વિરામ બાદ ગતરાત્રીના નવ વાગ્‍યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જે ૨૭ મી.મી. (એક ઇંચ) વરસાદ પડી ગયો હતો. આ વરસાદથી રસ્‍તાઓ પર પાણી ફરી વળ્‍યા હતા. ફોફળ ડેમમાં નવા નીરની આવક થતા ડેમની સપાટી હાલ ૨૪.૨૦ ફુટે પહોંચી છે. આ ફોફળ ડેમ હાલ ૯૦ ટકા ભરાઇ ચુકયો છે.

કેશોદ

(સંજય દેવાણી દ્વારા) કેશોદઃ ગઈકાલ બપોર બાદથી કેશોદ વિસ્‍તાર પર આકાશમાં પુનઃ કાળા ડિબાંગ વરસાદી વાદળો છવાઈ જતા વરસાદ પડે તેવી શકયતા જણાઈ રહેલ છે. ગઈકાલે રાત્રિના ૧૧-૧૫ વાગ્‍યાના અરસામાં લગભગ અડધો કલાક જેવો વરસાદ પડતા કંટ્રોલરૂમ ખાતે ૩ મી. મી. વરસાદ નોંધાયેલ છે. શહેરમાં જુદી જુદી જગ્‍યાએ લોકોની વિશાળ ઉપસ્‍થિતિ વચ્‍ચે ગણપતિ ઉત્‍સવના કાર્યક્રમો ચાલતા હોય રાત્રિના વરસાદના કારણે રંગમાં ભંગ પડયો હતો.

દરમિયાન આજે સવારે ૧૦:૦૦ કલાકે આ સમાચાર લખાઈ રહ્યા છે ત્‍યારે પુનઃ ધીમીધારે વરસાદ શરૂ થયેલ છે. આ સાથે સીઝનનો કુલ ૪૧  ઇંચ જેવો વરસાદ કેશોદ વિસ્‍તારમાં થવા પામેલ છે.

(11:39 AM IST)