<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

ગોંડલ નાગરીક સહકારી બેન્‍કમાં ૮ ધોરણ પાસ ડ્રાઇવર-પટ્ટાવાળા સીધા કલાર્ક બની ગયા

સુરેશભાઇ ભટ્ટીની રિઝર્વ બેન્‍ક ડિસ્‍ટ્રીકટ રજીસ્‍ટ્રાર અને સ્‍ટેટ રજીસ્‍ટ્રારને ફરિયાદ

(જયસ્‍વાલ ન્‍યુઝ દ્વારા) ગોંડલ તા. પ :.. ગોંડલ નાગરિક સહકારી બેંકમાં લાલીયાવાળી ચાલતી હોવાની વધુ એક ઘટના બહાર આવી છે. માત્ર આઠ પાસ ડ્રાઇવરને સીધો કલાર્ક બનાવી દીધાની અને એક કર્મચારીને બેંક મેનેજરે બેંકના બોર્ડને અંધારામાં રાખી પ્રમોશન આપી દીધાની બેંકના મેનેજરે બેંકના બોર્ડને અંધારામાં રાખી પ્રમોશન આપી દીધાની ફરીયાદ રિઝર્વ બેંક ડીસ્‍ટ્રીકટ રજીસ્‍ટ્રાર અને સ્‍ટેટ રજીસ્‍ટ્રાર સુધી પહોંચી છે. આ અંગેના ગેરકાયદે ઠરાવનો અમલ કરાશે તો બેંક મેનેજર દિલીપભાઇ ભટ્ટ અને બેંકનું બોર્ડ ઓફ ડાયરેકટર જવાબદાર રહેશે તેવું આ ફરીયાદમાં જણાવાયું છે.

ગોંડલના ગુંદાળા રોડ ઉપર ખોડલધામ સોસાયટીમાં રહેલા સુરેશભાઇ આણંદભાઇ ભટ્ટીએ ગોંડલ નાગરિક સહકારી બેંકના ચેરમેન અને જનરલ મેનેજરને એક પત્ર પાઠવી જણાવ્‍યું છે કે, બેંકના ફિકસ પગારના નોકરીયાત ભુપતભાઇ વેકરીયા બેંકમાં ફિકસ પગારદાર તરીકે આશરે દોઢ વર્ષથી નોકરી કરે છે. અને તેનો ડ્રાઇવર તરીકે ફિકસ પગારદારમાં ઠરાવ થયેલ છે. અમોને જણાવા મળેલ છે કે આ ફિકસ પગારદાર નોકરીયાતને હજુ પ્રોબોશન તરીકે રાખેલ નથી અને તેને રેગ્‍યુલર તરીકે રાખેલ નથી છતાં પણ તેને ડ્રાઇવર કમ પટાવાળામાંથી સીધો કલાર્ક તરીકે નિમણુંક કરી છે. જે નિમણુંક ગેરકાયદે છે. કારણ કે એ બેંકના હજુ સુધી કાયમી કર્મચારી થયેલ નથી તેમજ બેંકના અને રિઝર્વ બેંકના નિયમ મુજબ તે ગ્રેજયુએટ થયેલ નથી.

માટી આઠ પાસ નોકરીયાતને કલાર્કની નોકરીમાં રાખી શકાતો નથી જેથી આ ભુપતભાઇ વેકરીયા ગ્રેજયુએટ ન હોવા છતાં અને ફિકસ પગારદારમાંથી સિધો કલાર્ક તરીકે રાખી શકાય નહીં તેમજ અન્‍ય કર્મચારી જયેશભાઇ ખીલોસીયાને પણ તેવી જ રીતે ગેરકાયદે નિયમ વિરૂધ્‍ધ પ્રમોશન આપેલ હોય બંને ભરતી અને પ્રમોશન ગેરકાયદે હોય આ બંને ઓર્ડર રદ કરવા તાકીદ કરવામાં આવી છે.

તેમણે પત્રમાં વધુમાં જણાવ્‍યું છે કે અમને જાણવા મળેલ છે કે બેંકના જનરલ મેનેજર દિલીપભાઇ ભટ્ટે જનરલ બોર્ડને અંધારામાં રાખીને પોતાના અંગત મળતીયાને ગેરકાયદે રીતે ફીકસ પગારદારને સીધો કલાર્ક બનાવી ઠરાવ કરી ચેરમેનને ગેરમાર્ગે દોરી સહી લઇ ઠરાવ કરી નાખેલ છે. જે ઠરાવ ગેરકાયદે હોય તેનો અમલ કરવામાં આવશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું અને આ કર્મચારીને પગાર ચૂકવવામાં આવશે તેની જવાબદારી બેંકના જનરલ મેનેજર દિલીપભાઇ ભટ્ટ અને તમામ ડીરેકટરોની રહેશે. અને આ રકમ જનરલ મેનેજર અને તમામ ડીરેકટરો પાસેથી વસુલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. તેમ પણ આ પત્રમાં સુરેશભાઇ ભટ્ટીએ જણાવ્‍યું છે.

બેંકના જનરલ મેનેજરને પાઠવેલા આ પત્રની નકલો સ્‍ટેટ રજીસ્‍ટ્રાર ગાંધીનગર, જીલ્લા રજીસ્‍ટ્રાર (સહકારી મંડળી) રાજકોટ, તથા રીઝર્વ બેંકના કો. ઓ. બેંકના સુપરવિઝન વિભાગના જનરલ મેનેજરને પણ મોકલી ઘટતી કાર્યવાહી કરવા દાદ માગી છે.

(1:55 PM IST)