News of Friday, 5th September 2025
ધ્રોલ તાલુકાના શ્રી ખારવા પ્રાથમિક શાળાના શિક્ષક વિદ્યાર્થીઓ માટે ફાળવે છે ‘એક્સ્ટ્રા સમય અને એક્સ્ટ્રા લેકચર'
આજે ૫ સપ્ટેમ્બર એટલે શિક્ષકદિન : પરેશભાઈ સોરઠીયાએ અત્યાર સુધી શાળાના ૧૪૩ વિદ્યાર્થીઓને CET, NMMS, જ્ઞાન સાધના, નવોદય જેવી પરીક્ષાઓમાં મેરીટ અપાવી કારકિર્દીનું ઘડતર કર્યું : સરકારી શાળાઓના શિક્ષણ પરનો વાલીઓનો વિશ્વાસ જાળવી રાખી બાળકોનું જીવન ઘડતર કરવું જ શ્રેષ્ઠ શિક્ષકની નિશાનીઃ શાળાના શિક્ષક પરેશભાઈ સોરઠીયાઃ શાળાના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વિનામુલ્યે શિક્ષણ મેળવી શકે તે માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવવા બદલ સરનો આભાર વ્યક્ત કરતી વિદ્યાર્થીની દુધાગરા પ્રિશા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.પઃ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકળષ્ણન ની જન્મજયંતિ અને શિક્ષકોના સન્માન માટે દર વર્ષે ભારતમાં તા.૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષકના માર્ગદર્શનથી જ વ્યક્તિ પોતાના જીવનમાં સાચી દિશામાં આગળ વધી શકે છે. શિક્ષકો જ બાળકો માટે વધુ સારું ભવિષ્ય બનાવે છે. અને આવા જ એક શિક્ષક કે જેઓ પોતાના શાળાના સમય સિવાયના સમયમાં પણ બાળકોને અભ્યાસની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવે છે.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ શ્રી ખારવા પ્રાથમિક શાળામાં છેલ્લા ૧૦ વર્ષથી પરેશભાઈ સોરઠીયા અભ્યાસ કરાવે છે. તેઓ પોતાની શિક્ષક તરીકેની જવાબદારી પૂરી કરવાની સાથે સાથે બાળકોને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ પણ કરાવે છે. જેવી કે, CET, NMMS (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ), જ્ઞાન સાધના, નવોદયના એક્સ્ટ્રા ક્લાસ લઇ બાળકોને અભ્યાસ કરાવે છે. ચાલુ વર્ષે ધો.૫ અને ધો.૮ના અંદાજે ૪૫ જેટલા બાળકોને તેઓ શાળાના સમય સિવાયના સમયમાં પરીક્ષાઓની તૈયારી કરાવે છે.
પરેશભાઈ સોરઠીયા જણાવે છે કે, હું શાળામાં હાજર થયો ત્યારથી મેં નક્કી કર્યું હતું કે, શાળાને આગળ ધપાવવા માટે શકય તેટલા તમામ પ્રયત્નો કરીશ. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે CET, NMMS (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ), જ્ઞાન સાધના, નવોદયની તૈયારીઓ હું વિદ્યાર્થીઓને કરાવું છું. હું શાળાના સમય સિવાયના સમયમાં સવારના ૯:૦૦ થી ૧૦:૩૦ દરમિયાન એક્સ્ટ્રા લેકચર લઈને ધો.૫ અને ધો.૮ના વિદ્યાર્થીઓને શિક્ષણ આપુ છું. અત્યાર સુધીમાં મારા બાળકો પૈકી ૫ વિદ્યાર્થીઓ નવોદયમાં, ૨૯ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધનામાં, ૫૬ વિદ્યાર્થીઓ CETમાં તથા ૫૩ વિદ્યાર્થીઓ NMMSની પરીક્ષામાં મેરીટમાં આવ્યા છે. આ વર્ષે પણ ૩૦ વિદ્યાર્થીઓ વિવિધ પરીક્ષાઓમાં મેરીટમાં આગળ આવે તેવા મારા પ્રયત્નો છે. જેમાં સ્કુલ મેનેજમેન્ટ કમિટી અને શિક્ષકોનો પણ મને સાથ સહકાર મળી રહે છે.
રાજ્ય સરકાર દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ, જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે ધોરણ-૬માં પ્રવેશ આપવામાં આવે છે. તે જ રીતે વિદ્યાર્થીઓ માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ માં પ્રવેશ મેળવી ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજયના ૨૫,૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરીને તેમને ધોરણ-૯ થી ૧૨ સુધીના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવા ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના' અમલમાં મુકવામાં આવેલ છે.
રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. આ પરીક્ષામાં ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને ધો.૯ થી ધો.૧૨ સુધી દર મહીને શિષ્યવળતિ આપવામાં આવે છે. (આલેખનઃ પારુલ કાનગડ-માહિતી ખાતુ-જામનગર)
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
