<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

જામનગર તાલુકા અને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, ચિત્રકૂટ એવોર્ડ મેળવ્યા બાદ “શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક” થી સન્માનિત કરાયા પીએમશ્રી હડીયાણા કન્યા શાળાના શિક્ષિકા દેવાંગીબેન બારૈયા

દેવાંગીબેને કરેલા ૯ ઇનોવેશન્સ પૈકી ૩ની રાજ્ય કક્ષાએ પસંદગી:કોરોનાકાળ દરમિયાન પ્રેરણાત્મક ઓડીઓ સ્ટોરી બનાવી:પુરસ્કારની બધી રકમનો ઉપયોગ બાળકો અને શાળાના વિકાસમાં કર્યો છે : અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૫ : શિક્ષકોની કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા “શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક” આપીને તેઓનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યના કુલ ૩૦ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જે પૈકી જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના શિક્ષિકાશ્રી દેવાંગીબેન બારૈયાને “શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક” થી અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

દેવાંગીબેનને અગાઉ તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન તેમજ કથાકારશ્રી મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ મળ્યા છે. પુરસ્કારની તમામ રકમનો ઉપયોગ તેઓએ શાળાકીય પ્રવૃતિઓમાં જ કર્યો છે. જેમાં તેઓએ કોરોનાકાળ દરમિયાન વિદ્યાર્થીઓને માનસિક મનોબળ પૂરું પાડવા માટે પ્રેરણાત્મક વાર્તાઓની ઓડીઓ સીરીઝ, ૩૫ દિવસની બાલવીવાર્તા શ્રેણી, ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ, વેસ્ટ માંથી બેસ્ટ, લેંગ્વેજ કોર્નર બુકલેટ, ગેમ્સ, વિદ્યાર્થીનીઓ માટે ઇન્સીનરેટર મશીન, વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડ્સ આપવા સહીત શૈક્ષણિક હેતુ માટે પુરસ્કારની રકમનો ઉપયોગ કર્યો છે. 

પીએમશ્રી હડિયાણા કન્યા શાળાના શિક્ષિકાશ્રી દેવાંગીબેન બારૈયા જણાવે છે કે, છેલ્લા ૧૪ વર્ષથી આ શાળામાં તેઓ ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પુરસ્કારની તમામ રકમનો ઉપયોગ મેં શાળાના વિકાસમાં તથા બાળકોના શિક્ષણાત્મક કાર્ય અર્થે કર્યો છે. અત્યારસુધીમાં મેં ૯ જેટલા ઇનોવેશન્સ કર્યા છે. જેમાંથી રમતા રમતા ભાષા શિક્ષણ, મુલ્ય શિક્ષણની અમુલ્ય રીત પ્રયોગો રાજ્યકક્ષા સુધી પસંદગી પામ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આયોજિત રમકડા મેળામાં પણ પ્રેઝન્ટેશન કર્યું છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર જોડાયેલા અનસંગ હીરોઝ પૈકી જોડિયા તાલુકાના બે હીરોઝની સ્ટોરી દિલ્હી સાંસ્કૃતિક મંત્રાલય સાથે સંકલનમાં રહીને કવર કરી છે. વેકેશનના સમય દરમિયાન તેઓએ મારું વેકેશન, મારું સર્જન એક્ટીવીટી કરી હતી જેમાંથી રાજ્યના ૧૮૦ બાળકો જોડાયા હતા. અને ચિત્રકૂટ એવોર્ડમાંથી મળેલી રકમ માંથી તેઓને પ્રોત્સાહિત કર્યા હતા. શિક્ષકને મળેલ સન્માનની રકમ બાળકોના વિકાસ માટે ઉપયોગ કરીએ તો તેનો યોગ્ય જ્ગ્યાએ ઉપયોગ થયો કહેવાય. મને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવા બદલ હું સરકાર તથા શિક્ષણ વિભાગનો આભર વ્યક્ત કરૂ છું.(ખાસલેખ: પારૂલ કાનગડ-

ફોટો/વિડીઓ : ગજેન્દ્રસિંહ જાડેજા / અમિત ચંદ્રવાડીયા- માહિતી ખાતું-જામનગર)

(3:59 PM IST)