<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

જુનાગઢ જિલ્લાના ચોરવાડ બીચને સુવિધાયુક્ત કરવા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહર્ત : સાંસદ રાજેશભાઈ ચુડાસમા,ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા સહિતનાની ઉપસ્થિતિ

ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા રૂ.૪.૮૧ કરોડના ખર્ચે બીચનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે : જૂનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વત, સાસણ ગીર સહિતના અનેકવિધ પ્રવાસન સ્થળોનુ ઐતિહાસિક, સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ ખુબ જ મહત્વ

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૦૫        " જૂનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વત, સાસણ ગીર સહિતના અનેકવિધ પ્રવાસન સ્થળો આવેલા છે. જેનું ઐતિહાસિક, સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ ખુબ જ મહત્વ રહેલું છે. જૂનાગઢ જિલ્લામાં પ્રવાસન હબ તરીકે વિકસિત કરવાના રાજય સરકારશ્રી તરફથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

જુનાગઢ જિલ્લાના ચોરવાડ બીચ ઉપર આગામી વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહર્તનો કાર્યક્રમ સાંસદ  રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાત પ્રવાસ નિગમ લિમિટેડ દ્વારા રૂ.૪.૮૧ કરોડના ખર્ચે બીચનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે. 

કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, શ્રી દધેશ્વર મહાદેવના સાંનિધ્યમાં ચોરવાડના બીચને રી- ડેવલપ કરવા માટેનો આજે આ પાવન અવસર પ્રાપ્ત થયો છે. તેમજ પાકો રોડ, સેલ્ફી પોઇન્ટ, પાર્કિંગ લોટ, બેન્ચીસ, ટોઇલેટ બ્લોક વગેરે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આમંત્રિતોના હસ્તે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમની શરૂઆતમાં ટીવી જગતના જાણીતા કલાકાર મયુરભાઈ વાકાણીએ પ્રતિભાવ આપ્યો હતો. મયુરભાઈનું મંચસ્થ મહેમાનોએ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ અર્પણ કરીને સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની શરુઆતમાં રુપરેખા વિમલભાઈ મીઠાણીએ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ જોશીએ કર્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ કુલદીપભાઈ પાઘડારે કરી હતી. 

ઉક્ત કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી બેનાબેન ચુડાસમા, નગર પાલિકાની વિવિધ સમિતિના સદસ્યો, લોક આગેવાનો, વિવિધ સમાજના અગ્રણીશ્રીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.(તસ્વીર મુકેશ વાધેલા-જુનાગઢ)

(4:02 PM IST)