News of Saturday, 6th September 2025
શિક્ષણથી મોટું કોઈ વરદાન નથી અને શિક્ષકના આશીર્વાદથી મોટું કોઈ સન્માન નથીઃ રાઘવજીભાઈ પટેલ
જામનગરની જી.ડી.શાહ હાઇસ્કુલ ખાતે ‘‘શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ'' યોજાયો : રાજ્યના કૃષિ, પશુપાલન,ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ,ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રીના હસ્તે બે શિક્ષકોને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો પુરસ્કાર અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ૧૫ જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૬: રાજ્યના કૃષિ, પશુપાલન,ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ,ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં આવેલ જી.ડી.શાહ હાઇસ્કુલ ખાતે ‘‘શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ વર્ષ- ૨૦૨૫'' યોજવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જામનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે જામનગરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બે શિક્ષકો જેમાં ધ્રોલ તાલુકાની શ્રી જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયના અલ્પાબેન પટેલ તથા જોડિયા તાલુકાની નેસડા પ્રાથમિક શાળાના શિક્ષક રમેશચંદ્ર ધમસાણિયાને જિલ્લા કક્ષાનો પુરસ્કાર તથા ૧૫ જેટલા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે જ્ઞાન સેતુ, જ્ઞાન સાધનામાં મેરીટમાં આવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાઘવજીભાઇ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂકે છે. તેમના નેતૃત્વ હેઠળ, ભારતના શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) એ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ડિજિટલ શિક્ષણ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષણથી મોટું કોઈ વરદાન નથી અને શિક્ષકના આશીર્વાદથી મોટું કોઈ સન્માન નથી.
કાર્યક્રમમાં મંત્રીશ્રીએ રાજ્યકક્ષાએ સન્માનિત થનાર હડીયાણા કન્યાશાળાના શિક્ષિકાશ્રી દેવાંગીબેન, જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સન્માનિત થનાર શિક્ષકો તથા વિવિધ પરીક્ષાઓમાં સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન મળવા બદલ અલ્પાબેન પટેલે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, અગ્રણી વિનોદભાઈ ભંડેરી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, શિક્ષણ અધિકારી વિપુલભાઈ મહેતા, શિક્ષણસંઘના સદસ્યો, અગ્રણીઓ, શિક્ષકો, જી.ડી.શાહ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(૩૮.૧૪)
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
