News of Saturday, 6th September 2025
થાનમાં યુવાન પાસેથી રૂ.૫૦૦ વાળી ૯૭ બોગસ ચલણી નોટો મળી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૬: થાનગઢમાં પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. થાનગઢ પોલીસે ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ પાસેથી રૂ. ૫૦૦ ના દરની કુલ ૯૭ ડુપ્લિકેટ ચલણી નોટો ઝડપી પાડી છે, જેની કુલ કિંમત રૂ. ૪૮,૫૦૦ થાય છે.
પોલીસને એક યુવાન શંકાસ્પદ લાગતા તેની તપાસ કરાતા તેની પાસેથી ૫૦૦ના દરની ૯૭ ચલણી નોટો મળી આવી હતી. આ નોટો આપનાર યુવાન સહિત બન્ને સામે થાન પોલીસ મથકે ગુનો નોંધી નોટ આપનાર યુવાનને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરાઈ છે.
થાન પીઆઈ વી.કે.ખાંટ સહિતની ટીમ તા. ૨-૯ના રોજ પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે એએસઆઈ સહદેવસિંહને થાનના અમરાપર ગામે કપુરવાવ વિસ્તારમાં રહેતા આશીષ રાજુભાઈ મોરી પાસે કોઈ ગેરકાયદેસર વસ્તુ હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે વોચ રાખી તેને ઝડપી લીધો હતો. આ બાબતે ખરાઈ કરવી જરૂરી હોઈ એસબીઆઈ બેંકમાં ચલણી નોટો ખરાઈ કરવા મોકલાઈ હતી.
જેમાં ૫૦૦ના દરની ૯૭ ચલણી નોટો હોવાનું સામે આવ્યુ હતુ. આથી પંચ સમક્ષ આરોપીની પુછપરછ કરાતા થાન તાલુકાના ખાખરાળીમાં રહેતા અજય ઉઘરેજીયા પાસેથી તે ૫૦૦ના દરની ૧૦૦ ચલણી નોટો લાવ્યો હતો અને તેમાંથી ૩ નોટો બજારમાં વટાવી હતી. પોલીસે આશીષ મોરીને બનાવટી ચલણી નોટો અને રૂપીયા ૧૦ હજારના મોબાઈલ સાથે ઝડપી લઈ તેની સામે થાન પોલીસ મથકે ગુનો નોંધ્યો છે. જયારે અજય ઉઘરેજીયાને ઝડપી લેવા વધુ તપાસ પીઆઈ એન.એસ.પરમાર ચલાવી રહ્યા છે.
કેવી રીતે ઝડપાયો આરોપી?
થાનગઢ પોલીસની ટીમ વિસ્તારમાં નિયમિત ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન, એક વ્યક્તિની હિલચાલ શંકાસ્પદ જણાતાં પોલીસે તેને અટકાવીને તલાશી લીધી.
તલાશી લેતા તેની પાસેથી ૫૦૦ રૂપિયાના દરની મોટી સંખ્યામાં નોટો મળી આવી. પોલીસને નોટોની અધિકળતતા પર શંકા જતા, તેમણે તાત્કાલિક બેંકના કર્મચારીઓને બોલાવીને તેની ચકાસણી કરાવી. બેંક કર્મચારીઓએ તપાસ કરતા જાણવા મળ્યું કે આ તમામ ૯૭ નોટો નકલી હતી. પોલીસે તાત્કાલિક આરોપી આશિષ મોરીની અટકાયત કરી.
પોલીસે આશિષ મોરીની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ આ નકલી નોટો કયાંથી છાપવામાં આવી, તે કયાંથી લાવ્યો હતો, અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં પણ આશ્ચર્ય ફેલાવ્યું છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે અને આ કેસના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
