<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

ગોંડલના ચોરડી પાસે નેશનલ હાઇવે પર ઓવરબ્રિજ

બનાવવાનાં મુદ્દે ગ્રામજનો ઉગ્રઃ ૧૦મીએ રસ્‍તા રોકો આંદોલન

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૬: ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર આવેલા ચોરડી પાસે ઓવરબ્રિજ બનાવવાની વારંવારની રજુઆતો છતા તંત્ર દ્વારા નિંભરતા દાખવાતી હોય આખરે ચોરડી નાં ગ્રામજનો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવી તા.૧૦નાં રસ્‍તારોકો આંદોલન સાથે ચક્કાજામનું એલાન કરાયુ છે.

ચોરડીનાં સરપંચ આશાબા રાજેન્‍દ્રસિંહ ઝાલાએ જણાવ્‍યું કે ચોરડીથી પસાર થતા ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર હાલ સિક્‍સલેન નું કામ ચાલુ છે. ત્‍યારે નેશનલ હાઇવે પર આવતા ગામડા પર ઠેરઠેર ઓવરબ્રિજ બની રહ્યા છે. પરંતુ કોઈ કારણ વગર ચોરડીને બાકાત રખાયુ છે. ચોરડીનો વળાંક અકસ્‍માત જોન ગણાય છે. ઓવરબ્રિજની તાતી જરૂરિયાત વચ્‍ચે ચોરડીનાં ગ્રામજનો દ્વારા તંત્રને અવારનવાર રજુઆતો કરાઇ છે. છતા યોગ્‍ય નિર્ણય લેવાતો ના હોય તાજેતરમાં મળેલી ગ્રામસભામાં ઓવરબ્રિજનાં મુદ્દે આંદોલનનો નિર્ણય લેવાયો છે. આશાબા ઝાલાએ વધુમાં જણાવ્‍યું કે તા.૧૦ બુધવાર નાં સવારે સાડા દસ કલાકે ચોરડી પરા વિસ્‍તાર માં જવાના ફાટક પાસે નેશનલ હાઇવે પર રસ્‍તા રોકો આંદોલન સાથે લડત શરુ કરાશે. ગ્રામ્‍યજનો ચક્કાજામ કરશે. રાજકોટથી જેતપુર વચ્‍ચે અનેક ઓવરબ્રિજ બની રહ્યા છે. પરંતુ અકસ્‍માત માટે કુખ્‍યાત ગણાતા ચોરડી નજીક ઓવરબ્રિજ નહી બનતા આશ્‍ચર્ય સર્જાયુ છે. હવે ગ્રામ્‍યજનો એ આંદોલનનો માર્ગ અપનાવ્‍યો છે

(11:13 AM IST)