News of Saturday, 6th September 2025
ભેસાણ પાસેથી પકડાયેલ ૬૮ લાખના દારૂ મામલે તપાસનો ધમધમાટ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૬ :.. ભેસાણ પાસેના રફાળીયાની સીમમાં એસએમસીની ટીમે દરોડો પકડેલા રૂપિયા ૬૮.૬૪ લાખના દારૂ, બીયર મામલે એલસીબી દ્વારા તપાસ શરૂ કરી બુટલેગરોને ઝડપી લેવા કમર કસી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ વી. એન. જાડેજા, એએસઆઇ બી. પી. ચાવડા સહિતનો સ્ટાફ ગુરુવારની રાત્રે જુનાગઢ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અગાઉ ૨૨ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો અમરેલીનો ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર ઉર્ફે ધમો મનુભાઈ વાળા તથા તેમનો ભાગીદાર જેતપુરના અમરનગરનો જયેન્દ્ર જીલુભાઈ બસીયા વિદેશી દારૂનો જથ્થો મંગાવી ભેસાણ તાલુકાના રફાળીયા ગામની સીમમાં માણસો રાખી દારૂનું કટીંગ કરાવનાર હોવાની બાતમી મળતા કાફલો રફાળીયા સીમમાં ખુલ્લા પટમાં ધસી ગયો હતો.
સ્થળ પર જીજે ૧૫ એટી ૩૪૧૦ નંબરનું બંધ બોડીનું કન્ટેનર મળી આવતા કન્ટેનરમાં પાછળના ભાગે બ્લુ તેમજ કાળા કલરના ૨૦૦ લીટરના ખાલી બેરલો જોવામાં આવ્યા હતા અને બેરલની પાછળ કન્ટેનરમાંથી રૂપિયા ૬૮,૬૪,૯૦૦ની કિંમતના ઇંગ્લિશ દારૂ બિયરની ૧૫૫૯૩ બોટલ મળી આવી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી દારૂ, બિયર, કન્ટેનર, ટ્રક, કાર, મોબાઈલ સહિત ૬ વાહન મળી કુલ રૂપિયા ૧,૧૬,૩૫,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર ઉર્ફે ધમો વાળા, જયેન્દ્ર બસીયા તેમજ વાહનોના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરતા જૂનાગઢ એલસીબી પીઆઇ જે. જે. પટેલે તપાસ શરૂ કરી છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
