News of Saturday, 6th September 2025
કોડીનારના મીતીયાજના યાર્ડમાં ટેકાના ભાવ આપવા સરપંચની માગ: સર્વર સતત ડાઉન થતા ખેડૂતો હેરાન
ગામમાં રાત દિવસ ખેડૂતો કતારો લગાવી નોંધણી કરાવવા પહોંચ્યા પરંતુ સાઇટ ધીમી ચાલવાથી અને તેમાં એકસાથે એકાએક નોંધણી શરૂ થવાથી સર્વર ક્રેશ થયું

ગીર સોમનાથઃ કોડીનાર તાલુકાના મીતીયાજ ગામે મગફળી અને સોયાબીનના ટેકાના ભાવની ખરીદીની નોંધણી માટે રાત-દિવસ ખેડૂતોની કતારો લાગી છે. સરપંચે યાર્ડમાં ટેકાના ભાવથી જ ખરીદી કરવામાં આવે તેવી માગ કરી છે.
રાજ્ય સરકાર દ્વારા 1 સપ્ટેમ્બરથી ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદીની નોંધણીની શરૂઆત કરી છે. ત્યારે પ્રથમ દિવસથી જ રજિસ્ટ્રેશન માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મીતીયાજ ગામમાં રાત દિવસ ખેડૂતો કતારો લગાવી નોંધણી કરાવવા પહોંચ્યા છે. પરંતુ બીજી તરફ સાઇટ ધીમી ચાલવાથી અને તેમાં એકસાથે એકાએક નોંધણી શરૂ થવાથી સર્વર ક્રેશ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. તો મીતીયાજ ગામના નવનિયુક્ત સરપંચે માગ કરી છે કે યાર્ડમાં જે ખરીદી શરૂ કરવામાં આવે તેની પ્રારંભિક કિંમત ટેકાના ભાવ જેટલી જ રાખવામાં આવે તો ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે.
રજિસ્ટ્રેશનના પગલે ખેડૂતોમાં પણ ક્યાંકને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેમનું કહેવું છે કે, જ્યારથી રજિસ્ટ્રેશન શરૂ થયું છે, ત્યારથી સર્વર ડાઉન જ છે અને અમે આખો દિવસ કામમાં હોઈએ તેમ છતાં કામ મૂકી દિવસ-રાત બેસી રહ્યા છીએ. પરંતુ રજિસ્ટ્રેશન માટે વારો આવતો નથી. છેલ્લા 4 દિવસથી આજ પરિસ્થિતિ છે એવું લાગે કે, સર્વર ડાઉન છે અને નીકળી જઈએ તો અમારો રજિસ્ટ્રેશન માટેનો વારો નીકળી જાય છે. વળી પાછા ફરીએ તો સર્વર ડાઉન જોવા મળે છે. જેને લીધે ખૂબ હેરાનગતિ થાય છે. સરકારે આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને જે ટેકાના ભાવ છે તે યાર્ડમાં આપી દેવા જોઈએ.
સરકાર દ્વારા રજિસ્ટ્રેશન માટે 1 સપ્ટેમ્બરની તારીખ જાહેર કરવામાં આવી છે. પરંતુ પ્રથમ દિવસે સાઇટ ચાલી રહી હતી, જ્યારે બીજા દિવસથી સર્વર ડાઉન થઈ જાય છે. નેટવર્ક ન આવે તેવા પ્રશ્નો સતત આવી રહ્યા છે. જેના લીધે અમને પણ મુશ્કેલી થાય છે અને ખેડૂતોને પણ મુશ્કેલી સર્જાય છે. રાત્રે પણ બે-બે અને ત્રણ - ત્રણ વાગ્યા સુધી આજ પરિસ્થિતિ જોવા મળે છે. અહીં મીતીયાજ સહિત આસપાસના ગામના ખેડૂતો આવે છે જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
