<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

કચ્છમાં રેડ એલર્ટ વચ્ચે ચોવીસ કલાકથી વરસાદી માહોલ : રાપર અને ભચાઉમાં ૫ ઇંચ વરસાદ : ૫ વર્ષે નગાસર તળાવ છલકાયું

જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ મેઘમહેર : ગાંધીધામમાં ૨ ઇંચ, ભુજમાં દોઢ ઇંચ અને લખપતમાં પોણો ઇંચ વરસાદ : તંત્ર એલર્ટ : એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય

(વિનોદ ગાલા દ્વારા, ભુજ) ભારે વરસાદની આગાહીના રેડ એલર્ટને પગલે કચ્છ જિલ્લામાં ગઈકાલ સાંજે ૪ વાગ્યાથી મેઘસવારી શરૂ થઈ હતી, જેને આજ રોજ સાંજે ૪ વાગ્યે ૨૪ કલાક પૂરા થયા છે. આ ચોવીસ કલાકના સમયગાળામાં સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે. આ દરમિયાન સૌથી વધુ વરસાદ બનાસકાંઠાને અડીને આવેલા પૂર્વ કચ્છના રાપર અને ભચાઉમાં ૫-૫ ઇંચ નોંધાયો છે.
જોકે, મોટાભાગનો ભારે વરસાદ ગઈકાલ સાંજથી આજે સવારે ૬ વાગ્યા સુધી જ પડ્યો હતો. ત્યારબાદ સવારે ૬ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી સમગ્ર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં અને ઝરમર ઝરમર વરસાદ જ વરસ્યો છે. આ સમયગાળામાં ગાંધીધામમાં ૨ ઇંચ, ભુજમાં દોઢ ઇંચ અને લખપત તાલુકામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. આખો દિવસ ઠંડા પવન અને ગોરંભાયેલા આકાશ સાથે વરસાદી માહોલ રહ્યો હતો.
આ વરસાદ રાપર શહેર માટે શુકનિયાળ સાબિત થયો છે. શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસમાં કુલ ૯ ઇંચ વરસાદ પડતા રાપરનું નગાસર તળાવ છલકાઈ ગયું છે. રાપરના સ્થાનિક પત્રકાર મિત્ર મુકેશ રાજગોરના જણાવ્યા પ્રમાણે, પાંચ વર્ષ પછી આ તળાવ છલકાયું છે અને આવતીકાલે તેને વધાવવાનો કાર્યક્રમ યોજાશે.
આ લખાય છે ત્યારે સાંજે ૫ વાગ્યે પણ જાણે હમણાં જ વરસાદ તૂટી પડશે તેવો માહોલ છે, પરંતુ વરસાદ ઝરમર ઝરમર જ છે. સરકારી ચેતવણીને પગલે કચ્છનું વહીવટી તંત્ર પણ સંપૂર્ણપણે એલર્ટ છે. કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની એક ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)

 

(5:14 PM IST)