<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th September 2025

ડીપ ડિપ્રેશનનું જોખમ યથાવત : કચ્છમાં આવતીકાલ સુધી અતિભારે વરસાદની ચેતવણી : ૧૦ ઇંચ વરસાદથી ધોળાવીરાનું રણ બન્યું દરિયો :જુઓ વિડીયો

ખડીર પંથકના તમામ ડેમ-તળાવ છલકાયા : કંડલા પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું : આજે રાપરમાં ૩ ઇંચ, ભચાઉમાં ૧ ઇંચ અને અન્યત્ર પોણોથી એક ઇંચ વરસાદ

વિનોદ ગાલા દ્વારા, ભુજ: ભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલ ચેતવણી અનુસાર, રાજ્ય પર હજી પણ ડીપ ડિપ્રેશનનું જોખમ ઝળુંબી રહ્યું છે. જેને કારણે આજે અને આવતીકાલે સોમવાર સુધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
દરમ્યાન, ડીપ ડિપ્રેશન જે દિશામાંથી આગળ વધી રહ્યું છે તે બનાસકાંઠાને જોડતા કચ્છના ખડીર-ધોળાવીરાનો રણ વિસ્તાર ભારે વરસાદના કારણે જાણે દરિયામાં ફેરવાઈ ગયો છે. સ્થાનિક પત્રકાર મુકેશ રાજગોરને રતનપર ગામના સરપંચ દશરથભાઈ આહીરે આપેલી માહિતી મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં આ પંથકમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે, જેના કારણે ખડીર પંથકના તમામ ડેમ અને તળાવો છલકાઈ ગયા છે.
આ સંજોગોમાં, દેશના નંબર વન પોર્ટ ગણાતા કંડલા બંદરે સાવચેતીના ભાગરૂપે ત્રણ નંબરનું ચેતવણી સૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ સિગ્નલ દર્શાવે છે કે દૂર દરિયાની અંદર ડીપ ડિપ્રેશન સક્રિય છે, જેથી પોર્ટનું કામકાજ ચાલુ હોવા છતાં સાવચેત રહેવું જરૂરી છે.
આજે સવારથી જ કચ્છ જિલ્લામાં વાદળછાયું અને વરસાદી વાતાવરણ રહ્યું હતું. આંકડાકીય રીતે જોઈએ તો, સવારે ૬ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધીમાં જિલ્લાના ૧૦ તાલુકા મથકો પૈકી સૌથી વધુ વરસાદ રાપર તાલુકામાં ત્રણ ઇંચ નોંધાયો છે. ત્યારબાદ ભચાઉમાં એક ઇંચ અને ગાંધીધામ, અંજાર, ભુજ તથા નખત્રાણામાં પોણાથી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે અબડાસા, મુંદ્રા, માંડવી અને લખપત જેવા અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે માત્ર ઝરમર ઝરમર વરસાદ જ વરસ્યો છે.

 

(9:18 PM IST)