<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

ડેમી નદી પર વિસ્‍તારના ચેકડેમો પાણીમાં ગરકાવઃ આમરણ ચોવીસી પંથકમાં ૭ ઇંચ

(મહેશ પંડયા દ્વારા) આમરણ તા. ૮ :.. આમરણ ચોવીસી પંથકમાં ગત રાત્રીથી આજ સવાર સુધીમાં ગાજવીજ સાથે પ થી ૭ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. ભારે વરસાદને પગલે આમરણ ખાતે ટાટાનગર સહિતના નીચાણવાળા વિસ્‍તારોમાં મકાન ફરતે પાણી ફરી વળ્‍યા હતાં. જયારે આમરણ - ધુળકોટ વચ્‍ચેના માર્ગ પર પાણી ફરી વળતા વાહનો ફસાયા હતાં.

ડેમી નદી સહિત ગ્રામ્‍ય વિસ્‍તારના નાના-મોટા વોંકળા બેકાંઠે વહી રહ્યા છે. ખેતરો પાણીથી છલકાઇ રહ્યા છે. ડેમી નદી પટ વિસ્‍તારના નાના-મોટા ચેક ડેમો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ગામેગામના તળાવો પાણીની ભરપૂર આવકથી છલકાઇ ગયા છે.

આમરણ ચોવીસી પંથકના દરિયાકાંઠે આવેલ ઉટબેટ શામચર ગામે અનરાધાર ૭ ઇંચ વરસાદ ખાબકયો હતો. ખારચિયા ગામે ૬ ઇંચ પાણી પડયું હતું. જયારે આમરણ સહિત આજુબાજુના બેલા-ફડસર-ઝિંઝૂડા, રાજપર-ધુળકોટ-બાદનપર-માવનુ ગામ અંબાલા વગેરે ગામોમાં પ ઇંચ વરસાદ વરસી ગયો હતો. શ્રીકાર વરસાદથી ખેડૂતો સહિત આમ લોકોમાં ખુશીની લ્‍હેર જોવા મળી રહી છે.

(10:19 AM IST)