હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ખંભાળિયા નજીક ઇકો કાર દરિયાની ખાડીમાં ખાબકતા દેરાણી-જેઠાણીના કરૂણ મૃત્યુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૮: તાલુકાના સોનારડી ગામે રહેતા અશોકસિંહ ભાયાજી જાડેજા નામના ૪૫ વર્ષના ગરાસિયા યુવાનના પત્ની જયાબા તેમજ તેમનો પુત્ર હરપાલસિંહ ઉપરાંત તેમના ભાઈ સુખદેવસિંહના ધર્મપત્ની રેખાબા તેમજ ભત્રીજો હરેન્દ્રસિંહ નામના ચાર પરિવારજનો ગત તારીખ ૨૪ ઓગસ્ટના રોજ ખંભાળિયાથી ચુડેશ્વર ખાતે રહેતા તેમના સંબંધી મહેન્દ્રસિંહ જેમલજી જાડેજાની ઈક્કો કાર નંબર જી.જે. ૩૭ એમ ૨૬૮૬ માં જઈ રહ્યા હતા. ત્યારે આ મોટરકારના ચાલક મોહસીન નાગાણી (રહે. ઢીંચડા, તા. જામનગર) એ બેફીકરાઈપૂર્વક ચલાવતા સલાયા- ગોઇંજ રોડ પર આ મોટરકાર દરિયાની ખાડીમાં પલટી ખાઈ ગઈ હતી.
આ અકસ્માતમાં કારમાં જઈ રહેલા જયાબા અશોકસિંહ જાડેજા તેમજ તેમના દેરાણી રેખાબા સુખદેવસિંહ જાડેજા દરિયાનું પાણી વધારે પ્રમાણમાં પી જતાં આ બન્ને દેરાણી-જેઠાણીના મળત્યુ નિપજ્યા હતા. જ્યારે હરેન્દ્રસિંહ સુખદેવસિંહ જાડેજાને ઇજાઓ થવા ઉપરાંત દરિયાનું પાણી પી જતા તેમને દસ દિવસ સુધી વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી હતી.
આ સમગ્ર બનાવ અંગે સોનારડી ગામના અશોકસિંહ ભાયાજી જાડેજાની ફરિયાદ પરથી સલાયા મરીન પોલીસે ઈક્કો કારના ચાલક મોહસીન નાગાણી સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
દ્વારકા નજીક મીનીબસની અડફેટે કારસવાર દંપતી ઇજાગ્રસ્ત
હરિયાણા રાજ્યના રેવારી જિલ્લાના બાવલ તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખામાં કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટર બિલ્ડીંગમાં રહેતા પરવેશ સુધીર સિંઘ નામના ૨૮ વર્ષના યુવાન શનિવારે તેમની ૨૫ બી.એચ. ૭૦૯૩ ડી નંબરની મોટરકારમાં બેસીને જઈ રહ્યા હતા, ત્યારે દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. ૨૫ યુ. ૬૨૯૩ નંબરની એક મીની બસના ચાલકે પરવેશની મોટરકાર સાથે ધડાકાભેર અકસ્માત સજર્યો હતો. જેના કારણે પરવેશ તથા તેમના પત્નીને શરીરના જુદા જુદા ભાગોમાં મુઢ ઇજાઓ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઘટનામાં કાર તેમજ મોબાઈલમાં મળી આશરે ત્રણેક લાખ રૂપિયા જેટલી નુકસાની થયાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે દ્વારકા પોલીસે પરવેશ સિંઘની ફરિયાદ પરથી મીની બસના ચાલક મનીષ ભુપેન્દ્રભાઈ મશરૂ (ઉ.વ. ૨૯, રહે. ભીમરાણા) સામે ગુનો નોંધ્યો છે.
મહિલા સાથે ફોનમાં વાત કરવા બાબતે ભીમરાણાના યુવાન પર છરી વડે હુમલો
ભીમરાણા ગામે રહેતા દિલીપભા કરમણભા ચમડીયા નામના ૨૦ વર્ષના યુવાન પર આ જ વિસ્તારમાં રહેતા હેમરાજ રણધીરભા નાયાણી અને દેવશી બાલુભા નાયાણી નામના બે શખ્સો દ્વારા બિભત્સ ગાળો કાઢી, બેફામ માર મારી, છરી વડે હુમલો કરીને ઇજાઓ કર્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
એક પરિણીત મહિલા સાથે ફોનમાં વાત કરવા બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
ટોકન મેળવ્યા વગર માછીમારી કરતા શખ્સ સામે કાર્યવાહી
દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા જુમા ઇબ્રાહીમ સમા નામના ૨૬ વર્ષના માછીમાર શખ્સ દ્વારા દરિયામાં માછીમારી કરવાનું ફિશરીઝ વિભાગ દ્વારા આપવામાં આવતું ઓનલાઇન ટોકન મેળવ્યા વગર માછીમારી કરવા જતા પોલીસે ઝડપી લઈ, તેની સામે ગુજરાત મત્સ્યોદ્યોગ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. (૭.૧૪)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
