<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

જામનગરના પ્રદર્શન મેદાનમાં ગઈ રાત્રે વર્ષ ૨૦૨૫ ના અંતિમ 'ચંદ્રગ્રહણ' ના નિદર્શનનો જાહેર કાર્યક્રમ યોજાયો : જુઓ વિડિયો

ખગોળ પ્રેમી જનતા માટે રાત્રિના ૧૦ થી ૧૨ ઈન્ટરનેટ ના માધ્યમથી સ્ક્રીન ગોઠવી ને ચંદ્રગ્રહણ નિદર્શન યોજાયું : ચંદ્રગ્રહણ ની સાથે સાથે બ્રહ્માંડના અન્ય ગ્રહો- તારામંડળ વિષેની ઉપસ્થિત સૌ ખગોળ પ્રેમીઓને વિશેષ જાણકારી અપાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૮ :  જામનગરની ખગોળમંડળ નામની સંસ્થા, ઉપરાંત ધ્રોલના ગુજકોસ્ટ પ્રેરિત એમ.ડી. મેતા વિજ્ઞાન કેન્દ્ર ની ટીમ દ્વારા જામનગરના પ્રદર્શન મેદાનમાં ગઈકાલે રવિવારે રાત્રિના ૧૦.૦૦ વાગ્યાથી ૧૨.૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અવકાશી ખગોળીય ઘટના ચાલુ ૨૦૨૫ ની સાલના અંતિમ ખગ્રાસ ચંદ્રગ્રહણના નિદર્શનનો જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં વાતાવરણ ક્લિયર ન હોવાથી ઈન્ટરનેટ ના માધ્યમથી સ્ક્રીન પર ચંદ્રગ્રહણ નું લાઈવ પ્રસારણ દર્શાવીને માઇક દ્વારા તેની સમગ્ર જાણકારી આપવામાં આવી હતી, સાથો સાથ બ્રહ્માંડના અન્ય ગ્રહો- તારામંડળ વિશેની પણ તમામ ખગોળપ્રેમીઓને સમજ આપવામાં આવી હતી.

 જામનગરની ખગોળમંડળ નામની સંસ્થા, ઉપરાંત ધ્રોલના ગુજકોસ્ટ પ્રેરિત એમ.ડી. મેતા વિજ્ઞાન કેન્દ્ર ની ટીમ તેમજ જામનગરના રંગતાલી ગ્રુપના સહયોગથી ગઈકાલે તારીખ ૭મી સપ્ટેમ્બરના રાત્રીના ૧૦.૦૦ વાગ્યાથી ૧૨.૦૦ વાગ્યા સુધી જાહેર જનતા માટે ચંદ્રગ્રહણ નિદર્શન નો જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

ગઈકાલે જામનગર નું હવામાન ક્લિયર ન હોવાથી અને આકાશ વાદળોથી ઘેરાયેલું હોવાના કારણે ટેલિસ્કોપના માધ્યમથી ચંદ્રગ્રહણ નિદર્શન કાર્યક્રમ શક્ય બન્યું ન હતું, પરંતુ ઈન્ટરનેટ ના માધ્યમથી લિંક કનેક્ટ કરીને સ્થળ પર જ એલઇડી સ્ક્રીન મૂકવામાં આવ્યો હતો, અને તેના પર ચંદ્રગ્રહણની લાઈવ ગતિવિધિઓ અને તસવીરો કેદ કરીને તેનું જાહેરમાં નિદર્શન કરાયું હતું.

 સાથોસાથ ચંદ્રગ્રહણની તમામ ગતિવિધિઓની લોકોને સમજ આપવામાં આવી હતી, જ્યારે સવાલ-જવાબ સાથેના ચંદ્રગ્રહણ થવાના કારણો, અને સમાજમાં કેટલીક અંધ:શ્રદ્ધા ને લગતી તમામ બાબતો અંગે લોકોને જાણકારી આપી અને આ એક ઐતિહાસિક અને અવકાશી વિરલ ઘટના બને છે, તે અચૂક નિહાળવા પર ભાર મુક્યો હતો.

 જામનગર ખગોળ મંડળના મુખ્ય સંયોજક કિરીટભાઈ શાહ, તેમજ અમિત વ્યાસ ઉપરાંત ગુજકોસ્ટ પ્રેરીત એમ.ડી. મેંતા વિજ્ઞાન કેન્દ્ર- ધ્રોળના પ્રોગ્રામ ઓફિસર ડો. સંજય પંડ્યા ઉપરાંત તેઓની ટીમના રવિ ગજ્જર, પંકજ ડાંગર વગેરે દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

 સાથ સાથ બ્રહ્માંડમાં અનેક ગ્રહો તારામંડળ જે સર્વેની વિસ્તૃત જાણકારી પણ અપાઇ હતી, અને તે અંગેના વિડીયો તથા સ્લાઈડ શો વગેરે દર્શાવીને નાના ભૂલકાઓ સહિતના અનેક ખગોળ પ્રેમી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

 આ વેળાએ જામનગરમાં આકાર પામી રહેલા ગુજકોસ્ટ પ્રેરિત રીજીયોનલ સાયન્સ સેન્ટરના ડિઝાઇનેશન પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. જ્યોતિન કટેશીયા પણ ઉપસ્થિત રહ્યા હતા, અને ગ્રહણ વિશે જાણકારી આપી હતી.

 ગઈકાલે વાદળીયુ અને વરસાદી વાતાવરણ હોવાના કારણે સૌરાષ્ટ્ર કચ્છ સહિતના ગુજરાતના અનેક વિસ્તારોમાં ચંદ્રગ્રહણ નરી આંખે અથવા તો ટેલિસ્કોપના માધ્યમથી જોઈ શકાય તેમ ન હતું, પરંતુ ઇન્ટરનેટ ની મદદ લઈને તેનું લાઈવ પ્રસારણ જોવા માટેની વિશેષથી વ્યવસ્થા કરવામાં આવી હતી જેને પ્રચંડ સમર્થન મળ્યું હતું, અને જામનગર શહેરના નાના ભૂલકાઓ સહિતના અનેક ખગોળ પ્રેમીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

(11:20 AM IST)