<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

ભાણવડમાં અનુભવાયેલ ભૂકંપના કંપનથી ગભરાવવાની જરૂર નહીં; જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાઈ અપીલ

ભૂકંપ સમયે તકેદારી રાખીએ, જરૂર જણાયે વહીવટી તંત્રનો સંપર્ક કરીએ

 ભાણવડ ખાતેથી જાહેર જનતા પાસેથી જમીનમાં કંપન અનુભવાય રહેલ હોવાની માહિતી મળતા ભારતીય સિસ્મોલોજી રિસર્ચની કચેરી, ગાંધીનગર પાસેથી મળેલી માહિતી મુજબ  ૨.૩ તીવ્રતાનો ભૂકંપ ભાણવડ પાસે આવેલ હોવાનું જણાયેલ છે. ભૂકંપને પરિણામે હાલ કોઈ નુકસાની અંગે કોઈ અહેવાલ મળેલ નથી. આથી જાહેર જનતાને ખોટી આફવાઓથી દૂર રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.
ભૂકંપ પૂર્વે અને તે સમયે રાખવાની થતી સાવચેતી

 તમામ કુટુંબીજનો સાથે ભૂકંપ વિષેની સાચી માહિતીની ચર્ચા કરીને તેમને જાણકારી આપવી.

ભૂકંપ પ્રતિરોધક બાંધકામ કરવું અને જૂનાં મકાનોનું ટેકનોલોજીની મદદથી મજબૂતીકરણ કરવું.

છત પરના પંખાઓને યોગ્ય રીતે મજબૂત રહે તેમ ફિટ કરવા.

અગત્યના દસ્તાવેજો પાણીથી બગડે નહીં તેવી પ્લાસ્ટિકની કોથળીમાં રાખો અને તેની ઝેરોક્ષ નકલો કરાવી અન્ય સ્થળે પણ રાખો.

કુટુંબમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિએ તો પ્રાથમિક સારવારની તાલીમ મેળવી લેવી જોઈએ.

 આપત્તિ સમયે ગભરાશો નહીં, સ્વસ્થ રહો અને અન્યને સ્વસ્થ રહેવાની પ્રેરણા આપો. ગભરાટમાં ખોટી દોડાદોડી કરવી નહીં.

ખુલ્લી જગ્યાએ હોવ તો ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી ત્યાં જ રહો.

બહુમાળી મકાનમાં રહેતા હોવ તો આપત્તિના સમયમાં લીફ્ટનો ઉપયોગ કરવો નહીં. અને તાત્કાલિક સીડીથી સલામત રીતે નીચે ખુલ્લામાં આવી જવું.

શેરીમાં હોવ ત્યારે જૂનાં અને ઊચાં મકાનો, ધસી પડે તેવા મકાનો, ઢોળાવો અને વીજળીના તારથી દૂર સલામત જગ્યાએ જતા રહો.

જો વાહન ચલાવતા હોવ તો તુરત જ સુરક્ષિત જગ્યાએ રોડની સાઈડમાં વાહન રોકી વાહનમાં જ બેસી રહો.

 જ્યારે મકાનની અંદર હોવ ત્યારે સુરક્ષા માટે તમારા બંને હાથ વચ્ચે માથું સાચવી લઈને મકાનમાં કોઈપણ સુરક્ષિત ભાગમાં આશ્રય મેળવો.
ભૂકંપ બાદ ધ્યાને લેવાની બાબતો

 અફવા ફેલાવશો નહીં અને અફવા સાંભળશો નહીં, આપત્તિ સમયે ચિત્ત સ્વસ્થ રાખો.

 આત્મવિશ્વાસ કેળવો અને અન્યને મદદ કરો.

 ભૂકંપ પછીના સામાન્ય આંચકાઓથી ગભરાવું નહીં.

ભૂકંપ દરમિયાન કુટુંબના સભ્યો અલગ પડી ગયા હોય તો તે બધાને એકત્રિત કરવા માટે પ્રયાસ કરો.

કોઈ વ્યક્તિ ગંભીર ઈજા પામેલ હોય અને કોઈ અન્ય જોખમ ન હોય તો તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવી.

નાગરિકો જો દટાયેલ હોય તો બચાવ ટુકડીને તેની તુરંત જાણ કરો.

માત્ર આધારભૂત માહિતી પર ભરોસો રાખો, રેડિયો, ટેલિવિઝન કે અન્ય માધ્યમથી સરકારી જાહેરાતો, સૂચનાઓ મળે તેનો અમલ કરવા પ્રયત્ન કરો.

ઘરને ખૂબ જ નુકસાન થયું હોય તો તેને છોડીને બીજે સલામત ખુલ્લા સ્થળે જવું અને સાથે પાણી, ખોરાક તથા અગત્યની દવાઓ લઈ જાઓ.

 સલામતી ધ્યાને લઈ પાણી, વીજળી અને ગેસ બંધ કરી દો, જો તે બંધ હોય તો ખોલશો નહીં.
રસોડામાં ગેસની સુગંધ આવે તો કોઈપણ ઈલેક્ટ્રીક સ્વીચ ચાલુ કરવી નહીં અને કશું જ સળગાવવું નહીં, ધુમ્રપાન ન કરો, દીવાસળી ન સળગાવો, કેમ કે ગેસ લીકેજ કે શોર્ટસર્કીટ હોઈ શકે છે, ટોર્ચનો ઉપયોગ કરો.
 જ્વલનશીલ પદાર્થ ઢોળાયેલ હોય તો તેને તત્કાળ સાફ કરી નાંખો.
 આગ લાગે તો બુઝાવવાનો પ્રયાસ કરો, અગ્નિશામક તંત્રની મદદ લો.
ઉપરાંત, કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહીએ અને જરૂર જણાય તો જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, દેવભૂમિ દ્વારકા ૦૨૮૩૩ - ૨૩૨૦૮૪, ૦૨૮૩૩ - ૨૩૨૧૨૫, મો.૭૮૫૯૯૨૩૮૪૪ તથા ટોલ ફ્રી નં.૧૦૭૭ પર સંપર્ક કરીએ. તેમજ ભૂકંપ સમયે અને ત્યારબાદ ઉપરની સૂચનાઓ અમલ કરીએ અને વહીવટી તંત્રને સહયોગ કરીએ. 

(9:43 PM IST)