<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

જામનગરમાં કેક કાપીને તંત્રની કામગીરીનો અનોખો વિરોધ કર્યો

મહાનગરપાલિકાના અધિકારીઓને કુંભકર્ણની નિદ્રામાંથી જગાડવાનો પ્રયાસઃવોર્ડ નંબર ૧૨ના કોર્પોરેટરોએ સ્થાનિક લોકોને સાથે રાખી રોડ પર પાટાપીંડી કરી ખાડા નગરી તરીકેની કેક કાપી એક અનોખો વિરોધ કર્યો હતો

જામનગર,તા.૮

સામાન્ય રીતે લોકો પોતાનો કે કોઈ મિત્ર, સ્વજનનો જન્મદિવસ હોય અથવા ઉજવણી કરવાની હોય ત્યારે કેક કાપી ઉજવણી કરતા હોય છે, પરંતુ જામનગર શહેરના વોર્ડ નંબર ૧૨ના સ્થાનિક કોર્પોરેટરોએ ખરાબ રોડ રસ્તાને ૫-૫ વર્ષ થઈ ગયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતનું રોડ પર કામકાજ ના કરવામાં આવતા રોડને પાટાપિંડી કરી કેક કાપીને વિરોધ નોંધાવ્યો છે.

જામનગર શહેરમાં ઘણા લાંબા સમયથી શહેરના દરબારગઢથી લઈ અન્નપૂર્ણા સર્કલ સુધી રોડ-રસ્તા બિસ્માર હાલતમાં છે. આ રોડ પરથી અંદાજે દરરોજ ૫,૦૦૦થી વધુ લોકો અવર જવર કરતા હોય છે. બીજી તરફ રાત્રિના સમયે ઘણી વખત લોકો આ ખાડામાંથી પસાર થતી વખતે અકસ્માતનો ભોગ બને છે અને ખાડામાં પડે છે. જેના કારણે ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થાય છે. સ્થાનિક નગર સેવકો દ્વારા આ બાબતે ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવા આક્ષેપ સ્થાનિક અને નગરસેવકો દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓને કુંભકર્ણની નિદ્રામાંથી જગાડવા આજે વોર્ડ નંબર ૧૨ના કોર્પોરેટરોએ સ્થાનિક લોકોને સાથે રાખી રોડ પર પાટાપીંડી કરી ખાડા નગરી તરીકેની કેક કાપી એક અનોખો વિરોધ કર્યો હતો. જો આ રોડ રસ્તા તાત્કાલિક રીપેર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર રજૂઆત સાથે આંદોલનની ચીમકી નગરસેવકોએ ઉચ્ચારી છે.

(10:21 PM IST)