<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

માંગરોળમાં મોબાઇલ ગ્રાહકે દુકાનમાં બઘડાટી બોલાવતા આરોપીની ધરપકડ

 (નરેશ ગોસ્‍વામી દ્વારા) માંગરોળ, તા., ૯: માંગરોળમાં લુખ્‍ખાગીરીની હદ વટાવતો કિસ્‍સો બનવા પામ્‍યો છે. મિત્રએ મોબાઈલ શોપમાંથી લોન પર મોબાઈલ લીધા બાદ હપ્તા ન ભરતા, વેપારીએ મોબાઈલ લોક કરી દેતા એક શખ્‍સે ઉશ્‍કેરાઈ જઈ દુકાન પર આવી ત્રણ જેટલા લેપટોપ જમીન પર પટકી તોડી નાંખ્‍યાં હતા. દુકાનદારોમાં ભયનું વાતાવરણ સર્જી દેનાર આ ઘટનામાં પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્‍યું હતું.

     શહેરના લીમડાચોકમાં રાજમોતી મોલમાં આવેલી સાગર મોબાઈલમાં બપોરના ૪.૩૦ વાગ્‍યે આ ઘટના બની હતી. જેમાં એક શખ્‍સે દુકાનમાં અંદર પ્રવેશી, બોલાચાલી કરી લેપટોપ તોડી નાંખ્‍યાં હતા. આ અંગેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. જેથી પોલીસ પણ તાત્‍કાલિક હરકતમાં આવી હતી. દરમ્‍યાન વેપારી સાગર લૈલેષભાઈ આહયાએ પોલીસને લેખિત અરજી આપી હતી. જેમાં જણાવાયું હતું કે આમદભાઈ નામના વ્‍યક્‍તિ થોડા દિવસ પહેલા પોતાની દુકાનેથી લોન પર મોબાઈલ લઈ ગયા હતા. પરંતુ હપ્તા ન ભરતા હોવાથી તેનો મોબાઈલ લોક કરી દીધો હતો.

દરમ્‍યાન આજે ઝાબીર બાનવા નામનો શખ્‍સ દુકાને આવી મનફાવે તેમ ભુંડી ગાળો બોલવા લાગ્‍યો હતો. તેણે મારા મિત્રનો મોબાઈલ લોક કર્યો છે તે ખોલી આપો, નહીંતર જીવવા નહીં દઉં, લોક નહીં ખુલે તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી, એક પછી એક દુકાનમાં રાખેલા ત્રણ લેપટોપ જમીન પર પછાડી તોડી નાંખ્‍યાં હતા. લેપટોપમાં દુકાનનો ડેટા, ઓનલાઈન ડોકયુમેન્‍ટસ હોય, ભારે નુકશાન થયાનું જણાવ્‍યું હતું. ત્‍યારબાદ ડીવાયએસપી દિનેશ કોડીયાતરના માર્ગદર્શન હેઠળ પીઆઈ એચ.કે.દેસાઈ સહિતનાએ તાત્‍કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી લીધો હતો અને ગુન્‍હાનું રિકન્‍ટ્રકશન કરાવી કાયદાનું ભાન કરાવ્‍યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના હાર્દસમા વિસ્‍તારમાં દિનદહાડે બનેલી આ ઘટનાથી આજુબાજુના દુકાનદારો તથા ઉપસ્‍થિત ગ્રાહકો હતપ્રભ થયા હતા. 

(11:38 AM IST)