જામનગરમાં સુજલામ સુફલામ યોજનામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ : ધ્રોલ તાલુકાના ગામોમાં જીલ્લા પંચાયતની ટીમ દ્વારા સ્થળ તપાસ શરૂ : જુઓ વિડીયો
સામાન્ય સભામાં આક્ષેપો બાદ કામો અટકાવાયા : જીલ્લા પંચાયત સદસ્યો અને ગ્રામજનો દ્વારા રાજપર, ખેંગારકા, અને ડાંગરા ગામે કામોની ગુણવત્તા ચકાસાઈ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ : જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત થયેલા કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયા હોવાના ગંભીર આક્ષેપો થયા બાદ સમગ્ર મામલો ગરમાયો છે. ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ તાત્કાલિક અસરથી આ કામો અટકાવી દેવામાં આવ્યા હતા અને મામલાની ગંભીરતાને ધ્યાને લઈને જિલ્લા પંચાયત દ્વારા એક વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિએ હવે સક્રિયતા દાખવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ તપાસના ભાગરૂપે, ધ્રોલ તાલુકાના રાજપર, ખેંગારકા અને ડાંગરા ગામોમાં યોજના હેઠળ થયેલા કામોની સ્થળ પર જઈને ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ ટીમમાં જિલ્લા પંચાયતના સદસ્યો લખધીરસિંહ જાડેજા, અશોકભાઈ ચોવટીયા, હસમુખભાઈ કણજારીયા, જે.પી. મારવીયા, અને સ્થાનિક ગ્રામજનોનો સમાવેશ થાય છે. ટીમના સભ્યોએ યોજના હેઠળ થયેલા કામોની ગુણવત્તા અને વાસ્તવિકતાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
આ તપાસનો હેતુ ભ્રષ્ટાચારના આક્ષેપોની સત્યતા બહાર લાવવાનો અને જો ગેરરીતિ થઈ હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાનો છે. આ મામલે તપાસ પૂર્ણ થયા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
