<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

વરસાદથી અસરગ્રસ્ત રાપરમાં ઝડપભેર કામગીરી અને નુકસાનીનો સર્વે કરવા કલેક્ટર આનંદ પટેલની તાકીદ : લોકોની રજૂઆતો, રાહત પેકેજની માંગ: જુઓ વિડીયો

સામખિયાળી રાધનપુર નેશનલ હાઇવે, ચિત્રોડ રાપર ધોળાવીરા નેશનલ હાઇવે નો રોડ ધોવાઇ ગયો, અનેક ડેમો વધારે પાણી થી ઓવરફલો થયા , અનેક જગ્યાએ પાણી વહી નીકળતા રસ્તાઓ તુટી ગયા અનેક ખેતરો ધોવાઈ ગયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૦

 કચ્છના વાગડ વિસ્તારના રાપર તાલુકામાં ૧૯ ઈંચ વરસાદ પડતાં અનેક જાહેર માલ મિલકત ને નુકસાન થયું છે. જેમાં સામખિયાળી રાધનપુર નેશનલ હાઇવે, ચિત્રોડ રાપર ધોળાવીરા નેશનલ હાઇવે નો રોડ ધોવાઇ ગયો છે. અનેક ડેમો વધારે પાણી થી ઓવરફલો થયા છે. અનેક જગ્યાએ પાણી વહી નીકળતા રસ્તાઓ તુટી ગયા છે. અનેક ખેતરો ધોવાઈ ગયા છે. આજે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ અંગેની જાત માહિતી મેળવવા માટે રૂબરૂ રાપર અને અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં જિલ્લા કલેકટર આનંદ પટેલ અધિકારીઓ સાથે મેવાસા ડેમ તુટી ગયો છે તે સ્થળ તથા ગાગોદર ગામ પાસેના નેશનલ હાઇવે ની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને લોકોને મળી જાત માહિતી મેળવી હતી. કલેક્ટરે રાપર મામલતદાર કચેરી ખાતે મહેસુલ પંચાયત પીજીવીસીએલ માર્ગ અને મકાન વિભાગ સિંચાઈ વિભાગ નગરપાલિકા સહિત ના તમામ વિભાગો ના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં અસરગ્રસ્ત પરિસ્થિતિની ચર્ચા કરી ઝડપભેર કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. તેમણે તાકીદ કરી હતી જો જરૂરત પડે તો ટીમો બનાવી કામે લગાડી કામ પૂર્ણ કરો. કલેક્ટરશ્રીએ જે સ્થળ પર પાણી ભરાયા છે એવી જગ્યાઓ ઉપર કરાયેલા દબાણો દૂર કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત જ્યાં ખેતરો મા ધોવાણ થયું છે ત્ત્યાં ચોમાસુ પાક નું નુકસાન માટે સર્વે કરવા સુચનાઓ આપી હતી. દરમ્યાન રાપર મામલતદાર કચેરી ખાતે લોકો દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ ઝડપભેર સ્થિતિ પૂર્વવત થાય તે માટે રજૂઆત કરાઈ હતી. વરસાદ દરમિયાન પોલીસ, માર્ગ અને મકાન વિભાગ તથા નગરપાલિકા દ્વારા જો કરાયેલી કામગીરી ખૂબ જ ઉપયોગી બની હતી. સમયસર કામગીરી થકી અનેક લોકોના તેમ જ મૂંગા પશુઓનો બચાવ થયો હતો. જોકે તે વચ્ચે ફરિયાદનો સૂર પણ ઉઠ્યો હતો કે રાપર સ્થાનિકે શરૂ કરવામાં આવેલ તાલુકા કન્ટ્રોલ રુમ ના નંબર પર કોઇ ફોન નો રિપ્લાય થતો હતો ફોન ઉપાડવામા આવતા નહતા. રાપર તાલુકાના વહીવટી તંત્રના જવાબદાર કર્મચારીઓ હાજર નહતા. આગેવાનો એ તાત્કાલિક ધોરણે લોકો ને રાહત પેકેજ મળે એ અંગે રજૂઆત કરી હતી. આજે જિલ્લા કલેક્ટર આનંદ પટેલની મુલાકાત દરમ્યાન પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલ, રાપર મામલતદાર એચ.બી.વાઘેલા, ગાગોદર પીઆઈ વી.એ.સેગલ, નાયબ મામલતદાર એસ.બી.ઘાસુરા, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એસ.પી રામજીયાણિ જિલ્લા પંચાયત ના માર્ગ અને મકાન વિભાગ નાયબ કાર્યપાલક જે.એમ.ટાંક, એસ.ટી.ચૌધરી, કાર્યપાલક ઇજનેરશ્રી, પંચાયત સિંચાઈ વિભાગ ભુજ

 કે.વી. ટેલર, રાપર સુધરાઈના ચીફ ઓફિસર તરુણદાન ગઢવી નાયબ કાર્યપાલક ઇજનેર,જળ સિંચન પેટા વિભાગ, રાપર બાલાસર પીએસઆઈ વી.એ.ઝા તથા તાલુકા ના તમામ જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરો: મુકેશ રાજગોર, રાપર)

(7:09 PM IST)