News of Wednesday, 10th September 2025
જામનગરના ચકચારી શેખપાટ બળાત્કાર કેસ : સ્પેશિયલ પોક્સો કોર્ટે ૯માંથી ૪ આરોપીઓને ફટકારી કડક સજા
સગીરાને લલચાવી-ફોસલાવી બળાત્કાર ગુજારવા બદલ પોક્સો કલમ ૬ હેઠળ ૨૦ વર્ષની જેલ અને ₹૫ લાખનું વળતર ચૂકવવાનો આદેશ : ૨૦૨૨ના કેસનો આવ્યો ફેંસલો

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: જામનગરના શેખપાટ ગામમાં સગીરા પર થયેલા બળાત્કારના ચકચારી કેસમાં જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે ૯માંથી ૪ આરોપીઓને તકસીરવાન ઠેરવીને સજાનો હુકમ કર્યો છે. ૨૦૨૨ના વર્ષમાં નોંધાયેલા આ કેસનો ફેંસલો આવતા ભોગ બનનાર સગીરા અને તેના પરિવારને ન્યાય મળ્યો છે.
આ કેસની વિગતો અનુસાર, ૯ શખ્સોએ એક તરુણીને લલચાવી-ફોસલાવીને અલગ અલગ સ્થળોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ તરુણી ગર્ભવતી થઈ હતી અને તેણે એક બાળકને જન્મ આપતા સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પંચકોશી એ. ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ૯ આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો.
આ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલતા, ન્યાયાધીશ આરતી મોભેરાએ ૪ આરોપીઓ, જેમાં હરપાલસિંહ અજીતસિંહ જાડેજા, કમલેશ ઉર્ફે કવા પટેલ, બાબુભા ઉર્ફે ભીખુભાઈ જાડેજા અને મહેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નો સમાવેશ થાય છે, તેમને તકસીરવાન ઠેરવ્યા હતા.
કોર્ટે આરોપીઓને વિવિધ કલમો હેઠળ સજા ફટકારી છે:
* પોક્સો કલમ ૪: આ કલમ હેઠળ ૧૦ વર્ષની કેદ અને ₹૧૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.
* પોક્સો કલમ ૬: આ કલમ હેઠળ ૨૦ વર્ષની જેલ અને ₹૫,૦૦૦નો દંડ ઉપરાંત ભોગ બનનાર સગીરાને ₹૫ લાખનું વળતર આપવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસમાં ભોગ બનનાર અને તેની માતા તરફે વકીલ ધર્મેશ ગોંડલીયા અને સરકારી વકીલે કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી, જેના પરિણામે આરોપીઓને સજા થઈ અને ન્યાયનો વિજય થયો. (તસ્વીરો - કિંજલ કારસરિયા, જામનગર)
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
