<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

ભાગેડુ લગ્નના મામલે માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરવા જસદણમાં કાલે ક્રાંતિ રેલીનું આયોજન

પાટીદાર શૈક્ષણિક ભવનથી રેલી બપોરે ત્રણ વાગે નીકળી પ્રાંત કચેરીએ સરકારને આ અંગે કાયદો લાવવા આવેદનપત્ર પાઠવશેઃ મનોજ પનારા, રેશમા પટેલ, અલ્‍પેશ કથીરિયા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહેશે

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૧૧: ભાગેડું લગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરવાની તેમજ બીજી માંગણીઓ સબબ આવતીકાલે બપોરે ૩ વાગ્‍યે જસદણના પાટીદાર ભવનથી ક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ અંગે પાસના આગેવાન, જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનના કર્તા હર્તા અને ખોડલધામના ટ્રસ્‍ટી દિનેશ બાંભણિયાએ જણાવ્‍યું છે કે પાટીદાર સમાજની દીકરીઓ ભાગેડું લગ્ન કરે તે લગ્નમાં નોંધણીના કાયદામાં ફેરફાર કરવા, લગ્ન નોંધણી દીકરીના રહેણાંક વિસ્‍તારમાં જ કરવામાં આવે, લગ્ન નોંધણીની જાણ માતા-પિતાને ૪૫ દિવસ અગાઉ નોટિસ કરવી, સાક્ષી પક્ષ પણએ જ વિસ્‍તારના રાખવા તેમજ વ્‍યાજખોરિ અને સટ્ટા ખોરી સામે કડક કાયદો બનાવવાની માંગણી આ રેલીમાં કરવામાં આવશે.

ભાગેડું લગ્ન હાલ દરેક સમાજની સમસ્‍યા બની ગઈ હોય તેમણે આ રેલીના સમર્થનમાં બધા સમાજના લોકોને જોડાવા અનુરોધ કર્યો છે.

જસદણના આટકોટ રોડ ઉપર આવેલ પાટીદાર ભવનથી બપોરે ૩ વાગ્‍યે આ મૌન રેલીનું પ્રસ્‍થાન થશે જે પ્રાંત કચેરી ખાતે જઈ આવેદનપત્ર આપશે આ રેલીમાં પાસના આગેવાન દિનેશ બાંભણિયા, મનોજ પનારા, અલ્‍પેશ કથીરિયા, રેશમાં પટેલ, વરૂણ પટેલ, પૂર્વીન પટેલ સહિત પાસ અને એસ.પી.જી.ના આગેવાનો ઉપસ્‍થિત રહેશે.

(2:28 PM IST)