<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

જૂનાગઢમાં બ્રેક ફેઇલ થતા એસટી બસે કાર રિક્ષાને ટક્કર મારી, મહિલાને ગંભીર ઇજા

ડ્રાઇવરે સમય સૂચકતા વાપરી બસને દિવાલમાં અથડાવતા જાનહાની ટળી ગઇ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૧: જૂનાગઢમાં સરદારબાગ પાસે બ્રેક ફેઈલ થતા એસટી બસ કાર, રિક્ષાને ટક્કર મારી મંદિર નજીકની દિવાલમાં ઘુસી ગઈ હતી. અકસ્‍માતથી એક મહિલાને ગંભીર પ્રકારની ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.

બુધવારે બપોરે અઢી વાગ્‍યાના અરસામાં જૂનાગઢ-પોરબંદર રૂટની જીજે ૧૮ ઝેડ ૩૬૦૫ નંબરની એસટી બસ ડેપોમાંથી નીકળીને જઈ રહી હતી ત્‍યારે સરદાર બાગ પાસે દ્વારકાધીશ માર્કેટ સામે એસટી બસની બ્રેક ફેઈલ થતા ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને બસને મેલડી માતાજીના મંદિરને અડીને આવેલ દિવાલ સાથે અથડાવીને ઉભી રાખી દીધી હતી.

બસની બ્રેક ફેઈલ થવાથી બસ મંદિર પહેલા રોડ પર ડાબી સાઈડએ ઉભી રહેલી જીજે ૧૧ બીઆર ૪૦૬૬ નંબરની કાર અને જીજે ૨૩ વાય ૦૨૯૯ નંબરની રિક્ષાને એસટી બસે ટક્કર મારતાં રિક્ષા ડિવાઇડર પર ચડી ગઈ હતી અને એસટી બસ કાર પાછળ અથડાતા શહેરમાં જૂની આરટીઓ કચેરી પાસે રહેતા ૫૩ વર્ષીય અંજનાબેન નિરંજનગીરી ગોસ્‍વામીને હાથની આંગળીના ભાગે ગંભીર પ્રકારની ઈજા થતાં નજીકની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. અકસ્‍માતની જાણ થતા એસટી નિગમના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ દોડી આવી હતી.

આ ઘટનાથી ટ્રાફિક જામ થઇ ગયો અને એમ્‍બ્‍યુલન્‍સ સહિતના વાહનોના થપ્‍પા લાગી ગયા હતા. અકસ્‍માત અંગે મહિલાની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે બસના ડ્રાઇવર સામે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.(૯.૧૦)

(12:25 PM IST)