<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

ચામુંડાધામ ચોટીલાથી માતાના મઢ ૨૧ યુવાનોનાં પદયાત્રા સંઘનું પ્રયાણ

ચલો બુલાવા આયા હૈ, માતા ને બુલાયા હૈ

ચોટીલા તા. ૧ર :.. ચામુંડાધામ ચોટીલાથી કચ્‍છ ધરા બિરાજતા માં આશાપુરા માતાજીના મઢે ચોટીલાના રાજ નાગણેચી ગ્રુપ ધ્‍વારા યુવાનોનો પદયાત્રા સંઘ પ્રથમ નોરતે માતાના મઢ પહોંચે તે માટે છેલ્લા ૨૦ વર્ષથી યુવાનોનો પદયાત્રા સંઘ જાય છે. ગુરૂવારનાં રોજ ૨૧ યુવા સંઘને જય મા આશાપુરા ના નાદ સાથે પ્રસ્‍થાન કરાવવામાં આવેલ છે.

આશાપુરામાં કરોડો લોકો અતૂટ શ્રદ્ધા ધરાવે છે. જેથી ગુજરાતમાંથી અનેક પદયાત્રાઓ માતાના મઢ સુધી જાય છે આવી જ રીતે ચોટીલાના ચોટીલા ક્ષત્રિય સમાજના પ્રમુખ મયુર સિંહ રાઠોડ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે ૨૦ મી વખત ચોટીલાથી ક્ષત્રિય યુવાનોના પદયાત્રા સંઘ માતાના મઢ (કચ્‍છ) જવા રવાના થયો છે. આ સંઘ જય માં આશાપુરાના જયજયકાર સાથે રવાના થયો છે.

પદયાત્રીઓને શહેરીજનો, આગેવાનો દ્વારા શુભેચ્‍છા આપવામાં આવી છે. કચ્‍છના માતાના મઢ કે જ્‍યાં જગ જનની માં આશાપુરાના બેસણા છે ત્‍યાં આસો માસની નવરાત્રી એ દેશભરમાંથી લોકો દર્શને આવે છે મુંબઈ અને સુરત જેવા મહાનગરોમાંથી શ્રદ્ધાળુ સાયકલ પર સવાર થઈને અને પગપાળા માતાના દર્શને પહોંચે છે.

નવરાત્રિના આઠમા નોરતે માં આશાપુરા ને બીડું હોમવામાં આવે છે. ચોટીલાથી ક્ષત્રિય સમાજના યુવાનો જય માં આશાપુરાના નાદ સાથે માતાનામઢ જવા રવાના થયા છે. માતાજીને પ્રથમ નોરતે સન્‍મુખ થવા હર્ષોલ્લાસ અને જય માતાજીના નાદ સાથે સંઘ રવાના થયેલ હતો

(10:46 AM IST)