News of Friday, 12th September 2025
શ્રી સવા શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતી પ્રસંગે ભાદરવી પૂનમે સૌરાષ્ટ્રભરમાં ભવ્ય ઉજવણીઃ ૧૧ કુંડી મહાયજ્ઞમાં ૫૦ હજારથી વધુ ભાવિકોની હાજરી
સૌરાષ્ટ્રભરના ૩૦ સંઘના પદયાત્રીઓનું સ્વાગતઃ સ્પીડવેલ ચોકમાં મહા કળશપૂજન અને મહાઆરતી તથા મહા રાસ મોરબી જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર અમરેલી બોટાદ ભાવનગર સુરત અને નાસિકમાં પણ મહાકળશ પૂજન, મહારાસ અને મહાઆરતી સાથે મહાપ્રસાદના આયોજનો થયા

રાજકોટઃ કડવા પાટીદારોનું આસ્થાનું કેન્દ્ર શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરમાં ગત ૨૦૨૪માં મા ઉમિયા પ્રાગટ્યના ૧૨૧ વર્ષના નિમિત્તે યોજાયેલા શ્રી ૧. શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતીના ભાગરૂપે ભાદરવી સુદ પૂનમ (તા. ૭, સપ્ટેમ્બર ૨૦૨૫, રવિવાર) ના દિવસે સૌરાષ્ટ્રના ૧૧ જીલ્લાના ૭૦થી વધુ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં મહાકળશ પૂજન, મહારાસ, મહાઆરતી તથા મહાપ્રસાદના ભવ્ય કાર્યક્રમો યોજાયા. ઉમિયાધામ સિદસરના નેજા હેઠળ સ્થાનીક ઉમિયા પરિવાર સમિતિઓએ આ આયોજનને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી, જેમાં મોરબી, જૂનાગઢ, પોરબંદર, ગીરસોમનાથ, જામનગર, દેવભૂમી દ્વારકા, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર ઉપરાંત ગાંધીનગર, સુરત, નાસિક જેવા વિસ્તારોમાં પણ વિશાળ ઉજવણીઓ થઈ. ગત ૨૦૨૪ના ડિસેમ્બરમાં પાંચ દિવસના ભવ્ય મહોત્સવની ઉજવણી પછી આ પૂર્ણાહુતી પ્રસંગે મા ઉમિયા કળશ યોજનામાં સહભાગી બનેલા કડવા પાટીદારોના રોજના ૧ રૂપિયાના સમર્પણના આધારે વર્ષના ૩૬૫ રૂપિયાની યોજના હેઠળ દરેક ગામ, તાલુકા અને શહેરમાં મહાકળશ પૂજનના કાર્યક્રમો યોજાયા. શહેર અને તાલુકા સ્તરે ઉમિયા પરિવાર સંગઠન સમિતિઓએ મહારાસ, મહાઆરતી અને મહાપ્રસાદના આયોજનો સાથે ભાવિકોને આમંત્રિત કર્યા.
સંઘના પદયાત્રીઓનું ઉષ્માપૂર્ણ સ્વાગતમા ઉમિયાના પ્રાગટ્ય દિન તથા ૧૧ કુંડી મહાયજ્ઞમાં ભાગ લેવા માટે સૌરાષ્ટ્રના વિવિધ ૩૦ જેટલા સંઘના પદયાત્રીઓ તા. ૭ના રવિવારે સવાર સુધીમાં સિદસર પહોંચ્યા. રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, આદિત્યાણા વગેરેથી આશરે ૨,૦૦૦ પદયાત્રીઓ વાજત-ગાજતે, ડીજેના સાથવારે અને જયઘોષો સાથે ઉત્સાહપૂર્વક આવ્યા. ઉમિયાધામના નવનિયુક્ત પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, ખજાનચી ભૂપતભાઈ ભાયાણી, ટ્રસ્ટી કૌશીકભાઈ રાબડીયા, દિનેશભાઈ દેલવાડીયા, રમેશભાઈ સાપરીયા તથા અન્ય આગેવાનોએ તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું.
રથ પદયાત્રાનું આગમન પાટીદાર એકતાના પ્રતીકરૂપે જૂનાગઢથી મા ઉમિયાનો ખોડલ રથ પદયાત્રીઓ સાથે સિદસર પહોંચ્યો, જેનું ઉમિયાધામના હોદ્દેદારોએ હંકારી મા નું સ્વાગત કર્યું.
૧૧ કુંડી મહાયજ્ઞમાં વિશાળ ભીડ સિદસર ખાતે યોજાયેલા ૧૧ કુંડી મહાયજ્ઞમાં યજમાન તરીકે રાજકોટના પરેશભાઈ અને ભાવનાબેન ધમસાણીયાએ લહાવો લીધો. સાંધ્ય આરતીમાં ૧૦,૦૦૦ પદયાત્રીઓએ ભાગ લીધો, જ્યારે આખા દિવસમાં ૫૦,૦૦૦થી વધુ ભાવિકોએ મા ઉમિયાના દર્શનનો લાભ લીધો. મંદિર સંસ્થાએ ભાવિકોની રહેવા-ભોજન પ્રસાદ માટે યોજનાબદ્ધ વ્યવસ્થા કરી હતી.
રાજકોટમાં વિશેષ કાર્યક્રમ રાજકોટ ઉમિયા પરિવાર સંગઠન સમિતિએ સ્પીડવેલ ચોકમાં ઉમાકા લાલ ગણપતી મહોત્સવ સ્થળે મહાકળશ પૂજન, મહારાસ અને આરતીનું આયોજન કર્યું. સાંજે ૫ વાગ્યે પૂજન અને ૫:૪૫ વાગ્યે મહારાસ-આરતીમાં સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી ઉપસ્થિત રહ્યા.
સમગ્ર સૌરાષ્ટ્રમાં વ્યાપક ઉજવણીઃ ઉમિયા પરિવાર સંગઠન સમિતિના પ્રમુખ કૌશીકભાઈ રાબડીયાના માર્ગદર્શન હેઠળ ગોંડલ (અનીડા, ભાલોડી, મેતા, ખંભાળીયા, ગોમટા), જેતપુર (ખીરસરા), કોટડા સાંગાણી (અનીડા વાછરા), રાજકોટ તાલુકા (ગઢકા), જસદણ (માઘવીપુર), ઉપલેટા (કોલકી, જામટીંબડી), ભાયાવદર, મોરબી, જૂનાગઢ તાલુકા (કેશોદ, અજાબ, વંથલી), પોરબંદર (કુતીયાણા, ઈશ્વરીયા), ગીરસોમનાથ (ઉના, તાલાલા, મોરૂકા, સોમનાથ), જામનગર (જોડીયા, અણંદા, ધ્રોલ, નથુવડલા, કાલાવડ, શિવનગર), દેવભૂમી દ્વારકા (ભાણવડ, ગુંદા, મોરઝર), સુરેન્દ્રનગર (ધ્રાંગધ્રા, કુંતલપુર, થડા, મેથાણ, ગાજણવાવ, ચંદ્રસર, ચુડા ચોકડી, લીંબડી, રાજરાજપર, અંકેવાડીયા), અમરેલી (શેડુભાર, બાબરા, વલારડી, કોટડા ખીજડીયા, ગળકોટડી, ખંભાળા, ખાખરીયા, નવાણીયા, મોટા દેવળીયા, રાણપર, પીર ખીજડીયા, કુંવરગઢ, જામ બરવાળા), બોટાદ શહેર, ભાવનગર, ગાંધીનગર, સુરત (કીમ), નાસિક જેવા સ્થળોએ બહોળી સંખ્યામાં પાટીદાર ભાઈ-બહેનો જોડાયા. આ મહોત્સવથી કડવા પાટીદાર સમુદાયમાં એકતા અને ભક્તિભાવનું વાતાવરણ વધ્યું છે. ઉમિયાધામ સિદસરના આગેવાનોએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા મા ઉમિયાના આશીર્વાદથી સમુદાયનો વિકાસ અને સમૃદ્ધિ વધશે તેમ ઉમિયાધામ સિદસરની એક યાદીમાં જણાવાયું છે.(૩૮.૨૫)
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
