News of Friday, 12th September 2025
જૂનાગઢ પોલીસ હેડ ક્વાર્ટરના પીએસઆઇ કટારા, હેડ કોન્સ્ટેબલ મણવર, કોન્સ્ટેબલ પરમાર સસ્પેન્ડ
બુટલેગરને દીવ કોર્ટ મુદતમાં લઈ જતી વેળાએ ફરજમાં બેદરકારી દાખવતા એસપી સુબોધ ઓડેદરાએ કર્યો હુકમ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢઃ તા. ૧૨ : જુનાગઢ જિલ્લા જેલમાંથી બુટલેગરને દીવ કોર્ટ મુદતમાં લઈ જતી વેળાએ ફરજમાં બેદરકારી દાખવતા એસપી સુબોધ ઓડેદરાએ જૂનાગઢ પોલીસ હેડ ક્વાર્ટરના પીએસઆઇ કટારા, હેડ કોન્સ્ટેબલ મણવર, કોન્સ્ટેબલ પરમાર સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં હલચલ મચી ગઇ હતી.
ઉના તાલુકાના અંજારનો બુટલેગર રસિક જીણા બાંભણિયાને જૂનાગઢ જેલથી કેદી પાર્ટીના જાપ્તા સાથે ગઈ તા. ૨૫ જુલાઈના રોજ દીવ કોર્ટમાં મુદત માટે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ મુદત પૂરી થયા બાદ રસિક જીણાને દીવની એક હોટલમાં લઈ જવાયો હતો.
આ બાબત ધ્યાન પર આવતા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના તપાસ રિપોર્ટમાં પોલીસ કર્મીઓની ફરજમાં બેદરકારી જણાતા જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ રસિક જીણાને કોર્ટ મુદત માટે લઈ ગયેલ જૂનાગઢ પોલીસ હેડ ક્વાર્ટરના પીએસઆઇ એચ. એમ. કટારા, હેડ કોન્સ્ટેબલ એ. એન. મણવર, કોન્સ્ટેબલ સી. બી. પરમારને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
