<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

બિસ્માર રસ્તાઓ સામે કચ્છના ટ્રાન્સપોર્ટરોની હડતાલ: ૩૫૦૦૦ ટ્રકોના પૈડા થંભ્યા, ૨૦૦૦ કરોડનો ટોલ ભરવા છતાં રસ્તાઓ બિસ્માર

*વિકાસની આડે ભ્રષ્ટાચારના ખાડા, નેતાઓ અને સરકારની આંખે પાટા, કોન્ટ્રાક્ટરો તેમ જ ટોલ કંપનીઓના હાથ ઊંચા, રોડ અકસ્માતો વધ્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૨ :   સરકારની વિકાસની વાતો વચ્ચે વાસ્તવિકતા કડવી છે કચ્છના રસ્તાઓની હાલત ભારે બિસ્માર છે. બબ્બે મહા બંદરો તેમ જ બે લાખ કરોડના મૂડી રોકાણ ધરાવતા ઉદ્યોગોથી ધમધમતું રસ્તાઓની બિસ્માર હાલત થકી કચ્છના રાજમાર્ગો અકસ્માત ઝોનમાં ફેરવાયા છે. કચ્છમાં માર્ગોની બિસ્માર હાલત સામે વારંવારની રજૂઆતો બાદ આજે ટ્રાન્સપોર્ટરોએ સ્વૈચ્છિક હડતાલના સાથે પોતાનો વિરોધ દર્શાવ્યો છે. વાર્ષિક બે હજાર કરોડથી વધુની ટોલની આવક આપતાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોના ૩૫ હજાર વાહનોના પૈડાં થંભી ગયા છે. હડતાલ પાછળની વાસ્તવિકતા નિહાળીએ તો કચ્છના કોઈ પણ શહેર અને ગામની શેરી હોય આંતરિક રસ્તાઓ હોય કે પંચાયતના, રાજ્યના સ્ટેટ હાઇવે હોય રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય– ખાડાઓમાં રસ્તા છે કે રસ્તામાં ખાડા, એવી વિકટ સ્થિતિ છે. જેને પગલે ટ્રાન્સપોર્ટરો દ્વારા બ્લેક ડે ના વિરોધ સાથે શૌર્ય લડત શરૂ કરાઈ છે. કચ્છભરના વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશનો એક સાથે આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. સામખિયાળી ટોલ નાકા પર હડતાલની શરૂઆત થઈ ગઈ છે. બે દિવસ પહેલાં થી જ લોડિંગ બંધ કરવામાં આવ્યું હતું, હવે સ્વૈચ્છિક હડતાલમાં માર્ગો પરની ગાડીઓ થોભાવી દેવાઈ છે. મોટી સંખ્યામાં આગેવાનો સામખિયાળી સહિત વિવિધ ટોલનાકા પર પહોંચ્યા છે. “નો રોડ નો ટોલ” ના નારા સાથે લડત તેજ બનાવાઈ રહી છે. પરંતુ કઠણાઈ એ છે કે કચ્છમાં દેશભરના શહેરો લોજિસ્ટિક દ્વારા જોડાયેલા છે ટ્રાન્સપોર્ટરો મોડેલ સ્ટેટ ગુજરાતના રસ્તાઓની વર્તમાન ખસ્તા હાલતથી હેરાન પરેશાન છે. કોન્ટ્રાક્ટરોના નબળા કામ અને ટોલ ટેક્સ ઉઘરાવતી કંપનીઓ રસ્તાઓના રખ રખાવમાં નિષ્ફળ છે, સ્થાનિક નેતાઓ મૌન છે અને સરકારની આંખે પાટા છે. બિસ્માર રસ્તાઓ થકી ઈંધણનો વપરાશ વધે છે, અકસ્માતો વધે છે જે એકંદરે આપણા જેવા વિકાસશીલ રાજ્ય તેમ જ રાષ્ટ્ર માટે પણ અંતરાયરૂપ છે.

(12:55 PM IST)