News of Friday, 12th September 2025
ધ્રોલમા યાત્રાળુઓની સેવા માટે પ્રગટેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા ભવ્ય સેવા કેમ્પ
માઁ આશાપુરાના દર્શને જતા હજારો યાત્રાળુઓ માટે ભવ્ય સેવા કેમ્પનું ૧૨ થી ૧૭ દરમિયાન સેવાકીય પ્રવૃત્તિઓ ધમધમશે

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૨ : ધ્રોલ શ્રદ્ધા અને સેવાના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં શ્રી પ્રગટેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા માઁ આશાપુરાના દર્શને જતા હજારો યાત્રાળુઓ માટે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય પ્રવૃત્તિ આગામી ૧૨ થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.
યાત્રાધામ તરફ જતા યાત્રાળુઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે મંડળના સભ્યો ખડે પગે સેવા આપશે. ધ્રોલના લતપીર ટંકારા રોડ, માણેકપર ચોકડી ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે યાત્રાના મુખ્ય માર્ગ પર આવેલું છે. આ સેવા કેમ્પમાં યાત્રાળુઓ માટે ચા, નાસ્તો, ઠંડા પીણાં અને ભોજનની વ્યવસ્થા નિઃશુલ્ક રાખવામાં આવી છે.
આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ભક્તિભાવથી યાત્રાએ નીકળેલા શ્રદ્ધાળુઓને પૂરતી સુવિધા મળી રહે. શ્રી પ્રગટેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા આયોજિત આ સેવા કેમ્પ સમાજ માટે એક પ્રેરણાદાયક પહેલ છે, જે દર્શાવે છે કે માનવસેવા એ જ સાચી પ્રભુસેવા છે. મંડળના સભ્યોએ સૌ યાત્રાળુઓને આ સેવાઓનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. આશા રાખીએ કે આ સેવાકાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે અને યાત્રાળુઓને સુખદ અનુભવ મળશે સેવાભાવી સંજય જાડેજા યાદીમાં જણાવ્યું હતું.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
