<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

મોરબીમાં પ્રતિબંધિત પેટકોકનો બેફામ વપરાશ, 15 સિરામિક ફેકટરી ઝપટે.

પ્રદુષણ નિયંત્રણ કચેરીમાં નવા નિમાયેલ અધિકારીએ લાંબા સમયથી ચાલતા કાળાધંધા તવાઈ ઉતારી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  સિરામિક હબ મોરબી જિલ્લામાં કોલગેસ પ્લાન્ટના દંડનો મુદ્દો. હજુ પૂર્ણ નથી થયો ત્યાં જ કેટલાક સિરામિક એકમોમા હરીફાઈમાં ટકી રહેવા લાંબા સમયથી પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના જ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને ગજવામાં સાચવી લઈ સસ્તા ઈંધણ સ્વરૂપે પ્રતિબંધિત પેટકોકનો વપરાશ થતો હોવાની વ્યાપક ફરિયાદ ઉઠતા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ મોરબીમાં નવા આવેલ અધિકારીએ સપાટો બોલાવી દઈ પીપળી રોડ, જાંબુડિયા અને માટેલ રોડ ઉપર સઘન ચેકીંગ કરી 15 ફેકટરીઓમાં ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિ ઝડપી લીધી હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ તમામ સિરામિક એકમો વિરુદ્ધ રૂપિયા 10થી 25 લાખ સુધીના દંડ તેમજ ક્લોઝર સુધીના પગલાં તોળાઈ રહ્યા હોવાથી પ્રતિબંધિત પેટકોક વાપરનાર યુનિટોના માલિકોએ ધમપછાડા શરૂ કર્યા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ક્લસ્ટરમા ભાવની સ્પર્ધામાં ટકી રહેવા વોલ ટાઈલ્સ અને ફ્લોર ટાઈલ્સના કેટલાક એકમો દ્વારા પર્યાવરણ માટે ખૂબ જ નુકશાન કારક અને પ્રમાણમાં સસ્તા પડતા પેટકોક એટલે કે પેટ્રોલિયમ પેદાશ કોલસાનો ઉપયોગ શરૂ કરતા આવા એકમો બજાર ઉપર હાવી થઈ સસ્તાભાવે ટાઇલ્સ વેંચતા હોય ખુદ સિરામિક ફેક્ટરીઓના માલિકો દ્વારા જ પ્રદુષણ નિયંત્રણ બોર્ડની મોરબી ઓફીસ તેમજ ગાંધીનગર સુધી રજુઆત કરતા સરકાર ચોકી ઉઠી હતી. જો કે, રજુઆત બાદ પણ કોઈ પગલાં ન લેવામાં આવતા સ્થાનિક અધિકારી શંકાના દાયરમાં આવી ગયા હતા અને આંખ મિચમણા કરી લાંબા સમયથી આ ગેરકાયદે પ્રવૃત્તિ ઉપર રહેમ નજર રાખતા વધુ એક વખત ગાંધીનગર રજુઆત થતા મોરબીના ઉચ્ચ અધિકારીની બદલી કરી નવા અધિકારી મુકવામાં આવ્યા છે.

બીજી તરફ પ્રદુષણ નિયંત્રણ કચેરી મોરબીમાં નવા અધિકારી આવતા વેંત જ સપાટો બોલાવી છેલ્લા બે દિવસમાં સપાટો બોલાવી મોરબીના સિરામિક હબ એવા પીપળી રોડ, માટેલ રોડ અને જાંબુડિયામાં 15 ફેક્ટરીઓમાં ચાલતો પેટકોકનો વપરાશ પકડી પાડી નોટિસો ફટકારી હોવાનું સામે આવ્યું છે. પ્રદુષણ નિતંત્રણ બોર્ડના આ કડક પગલાંથી સિરામિક ઉદ્યોગમા વિરોધને બદલે રાહતની લાગણી પ્રસરી હોવાનું પણ ખુદ ઉદ્યોગકારો જણાવી રહ્યા છે. હાલમાં જ્યાં જ્યાંથી પેટકોકનો વપરાશ ઝડપાયો છે તેવી ફેક્ટરીઓને રૂ.10 લાખથી લઈ 25 લાખ સુધીના દંડ ઉપરાંત ક્લોઝર નોટીસની કાર્યવાહી શરૂ થઈ હોય પેટકોકના વપરાશી એકમો દ્વારા દોડધામ શરૂ કરી ક્લોઝરથી બચવા ધમપછાડા શરૂ કર્યાનું પણ sutro દ્વારા જાણવા મળી રહ્યુ છે

(10:11 PM IST)