News of Friday, 12th September 2025
પીઠડીયા ટોલ પ્લાઝા બોનેટ પર 'GOV OF GUJARAT' લખેલ કારચાલકની દાદાગીરી: CCTV ફૂટેજ થયા વાઇરલ
ઇનોવા કારચાલક સાઇરન વગાડી રોફ જમાવતો નજરે પડ્યો: ટોલટેક્સ ભર્યા વગર કારચાલક ટોલકર્મીને ધમકી આપી ફરાર!: ટોલકર્મીએ પોલીસને અરજી આપી

રાજકોટના પીઠડીયા ટોલ પ્લાઝા પર કારચાલકની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. વાઇરલ વીડિયોમાં ઇનોવા કારચાલક સાઇરન વગાડી રોફ જમાવતો નજરે પડે છે. ઇનોવા કારની બોનેટ પર 'GOV OF GUJARAT' લખેલું જોવા મળે છે. ટોલ ટેક્સ ભર્યા વગર કારચાલક ટોલકર્મીને ધમકી આપી બૂમ બેરિયર તોડીને ફરાર થયાનો આરોપ છે. આ મામલે ટોલકર્મીઓએ વીરપુર પોલીસ સ્ટેશનમાં કારચાલક સામે અરજી આપી હોવાની માહિતી છે.
રાજકોટમાં પીઠડીયા ટોલ પ્લાઝા પર એક કારચાલકની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં દેખાય છે કે એક ઇનોવા કાર ટોલ પ્લાઝા પર આવે છે અને કારચાલક ટોલ ટેક્સ ભર્યા વગર જ બૂમ બેરિયર તોડીને ફરાર થઈ જાય છે. આરોપ છે કે કારચાલક ટોલનાકા પર પહોંચ્યો એ પહેલા કારનું હોર્ન વગાડીને રોફ જમાવ્યો હતો. ત્યાર બાદ ટોલ પ્લાઝા પર કર્મચારીઓ સાથે માથાકૂટ કરી દાદાગીરી કરી હતી.
ઇનોવા કારચાલક ટોલ ટેક્સ ભર્યા વગર જ બૂમ બેરિયર તોડીને ભાગી ગયો હોવાનો આક્ષેપ છે. સીસીટીવી ફૂટેજનાં (CCTV Footage) વીડિયોમાં ઇનોવા કારની બોનેટ પર 'GOV OF GUJARAT' લખેલું જોવા મળે છે. સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ સહિતનાં પુરાવા સાથે ટોલ પ્લાઝાનાં કર્મચારીઓ તરફથી વીરપુર પોલીસ સ્ટેશનમાં કારચાલક વિરુદ્ધ અરજી અપાઈ છે. પોલીસે પણ વાઇરલ વીડિયોનાં આધારે કારચાલકની ઓળખ કરી તેના સુધી પહોંચવા તજવીજ હાથ ધરાઈ છે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
