<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

ગોંડલ પાસે એસટીબસમાંથી એસઆરપી કર્મચારીના અપહરણના ગુન્‍હાના ૪ શખ્‍સો પકડાયા

એસઆરપી કર્મચારીની બહેન ગૂમ હોય શંકા જતા સાસરીયા પક્ષના લોકોએ અપહરણ કર્યુ'તું ભાયાવદર પાસેથી અપહૃત એસઆરપી કર્મચારીને પોલીસે છોડાવ્‍યો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૩: ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર ગોંડલથી સાત કી.મી દુર ભોજપરા ગામ નજીક ગુરુવાર ની મોડી રાતે પોરબંદરથી ગાંધીનગર જઈ રહેલી એસ.ટી બસને સ્‍કોર્પીયો બસ આડે નાખી બસને રોકી ધોકા સહિત બસ માં ચડેલા શખ્‍સોએ બસમાં બેઠેલા અમદાવાદ ફરજ બજાવતા એસઆરપી મેનને માર મારી ઢસડી જઇ અપહરણ કર્યાની ઘટનાને લઇ હરકત માં આવેલી તાલુકા પોલીસે ભાયાવદર નજીક સીમમાં આવેલી વાડીની ઓરડીમાંથી એસઆરપી મેનને છોડાવી ચાર અપહરણ કર્તાઓને જડપી લઇ સ્‍કોર્પીઓ કબ્‍જે કરી હતી.એસઆરપી મેનની બહેન પીયર હોય ત્‍યાંથી ગુમ થઈ જતા તેના ભાઇ એસઆરપી મેનને જાણ હોવાની શંકાએ યુવતીનાં સાસરી પક્ષનાં લોકોએ અપહરણ કર્યાનું  પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્‍યુ હતુ.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ નજીક નેશનલ હાઇવે પર ગત મોડી રાતે ફિલ્‍મી સ્‍ટન્‍ટ જેવા દ્રશ્‍યો સર્જાયા હતા. પોરબંદરથી ગાંધીનગર જઈ રહેલી જીજે ૧૮ઝેડ ૧૮૫૦ નંબરની એસ.ટી બસ રાત્રે એકનાં સુમારે ગોંડલ નજીક ભોજપરા ગામ પાસે પહોચી હતી ત્‍યારે કાળા કલરની સ્‍કોર્પીયો બસની ડાબી બાજુથી પુરજડપે ઓવરટેક કરી બસની આડે ઉભી રહી જતા બસ ઉભી રહી હતી. દરમિયાન પોરબંદર એલસીબીની ઓળખ આપી બસમાં  ધોકા લઇ ચડેલા અજાણ્‍યા શખ્‍સોએ સંજય કયાં છે તેવુ પેસેન્‍જરો ને પુછવા લાગ્‍યા હતા. તેવામાં ૨૬ નંબર ની સીટ પર બેઠેલા સંજયભાઈ સામતભાઇ મુછાર ઉ.૨૨ સાથે ખેચાખેચી કરવા લાગ્‍યા હતા. પરંતુ સંજયભાઈ નીચે નહી ઉતરતા આ શખ્‍સો માર મારવા લાગ્‍યા હતા. દરમ્‍યાન કંડકટર અને કેટલાક પેસેન્‍જરો એ વીડીયો ઉતારવા પ્રયાસ કરતા આ શખ્‍સોએ વીડીયો ઉતારવાની ના કહી ધમકાવતા બસનાં મુસાફરો ગભરાઇ ગયા હતા. વધુમાં આ શખ્‍સોએ કોઈને ફોન કરતા નહી નહીંતર જીવતા રહેશો નહી તેવી ધમકી આપતા બસમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. કંડકટર સ્‍કોર્પીઓની નંબર પ્‍લેટનો  ફોટો પાડવા જતા ઉશ્‍કેરાયેલા એક શખ્‍સે આડા રહી નંબર પ્‍લેટ કાઢી લીધી હતી. બાદમાં બસમાંથી સંજયભાઈને ઢસડી નીચે લઇ જઇ સ્‍કોર્પીઓમાં નાંખી આ શખ્‍સો ગાડીને યુ ટર્ન મારી ગોંડલ તરફ નાશી ગયા હતા. આ અંગે બસ ડ્રાઇવર રાહુલભાઇ પરમારે તુરંત ડેપો મેનેજરને જાણ કરતા પોલીસને જાણ કરાઇ હતી.

 બનાવ અંગે બસ ડ્રાઇવર પોરબંદર સરકારી કર્મચારી સોસાયટીમાં રહેતા રાહુલભાઇ પુંજાભાઇ પરમારે ગોંડલ તાલુકા પોલીસમાં ઘટનાઅંગે ફરિયાદ કરતા પોલીસે અપહરણ, રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પીઆઇ એ.ડી.પરમાર અને સ્‍ટાફે તપાસનાં ચક્રોગતિમાન કરી અપહરણ કર્તાઓને ભાયાવદ નજીક વડુખળ ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીમાંથી દબોચી લઇ તેની ચુંગાલમાંથી એસઆરપી મેન સંજયભાઈને મુક્‍ત કરાવી પોરબંદરનાં મનીષ અરજણ મોઢવાડિયા ઉ.૨૪, રવિ કિસાભાઇ મુછાર ઉ.૨૪, મુકેશ રામભાઈ ઓડેદરા ઉ.૩૧ અને જામજોધપુરનાં ધોરીયાનેસ રહેતા લાલાભાઇ બધાભાઇ મોરી ઉ.૬૫ને જડપી લઇ પુછપરછ હાથ ધરી અપહરણમાં સંડોવાયેલ અન્‍ય ચાર શખ્‍સોને જડપી લેવા તજવીજ હાથ ધરી હતી.જેનું અપહરણ કરાયુ હતુ તે સંજયભાઈ કુતિયાણાનાં બાવળાવદરનાં રહેવાસી છે. અને જુનાગઢ એસઆરપી કેમ્‍પમાં ફરજ બજાવે છે. હાલ અમદાવાદ નોકરી હોય કુતિયાણા પોલીસ સ્‍ટેશને જવાબ લખાવી અમદાવાદ જવા બસમાં બેઠા હતા.  બનાવ અંગે પીઆઇ એ.ડી. પરમારે જણાવ્‍યુ કે એસઆરપી મેન સંજયભાઈની બહેનની સગાઇ જ્ઞાતિનાં રિવાજ મુજબ નાની વયે થઇ હતી. ચાર મહીના પહેલા તેણીનાં લગ્ન થયા હતા. પરંતુ એક દિવસ સાસરે રહી પોતાના માવતર ચાલી આવી હતી. દરમિયાન કોઈને કહ્યા વગર તે ઘરે થી ચાલી ગઈ હોય તેના પરીવારે કુતીયાણા પોલીસમાં ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન અપહરણ કર્તાઓને સંજયભાઈને તેની બહેન અંગે માહીતી હોવાની શંકાએ તેનું અપહરણ કર્યુ હતુ. અપહરણ કર્તાઓ પૈકી લાલાભાઇ યુવતીનાં સસરા થાય છે. પોલીસે બનાવ અંગે વિષેશ પુછપરછ હાથ ધરી છે.

(11:58 AM IST)